કહેવાય છે કે જો તમે ગુજરાતમાં સિંહ ન જોયો હોય તો કઈ નથી જોયું એવું માનવામાં આવે છે. ગુજરાતમાં સિંહોની સંખ્યા વધુ છે, તેઓ રસ્તાના કિનારે મુક્તપણે ફરતા જોવા મળે છે. અમરેલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં બે સિંહો બે કૂતરાનો સામનો કરી રહ્યાં છે. કૂતરાઓની હિંમત જોઈ સિંહો ત્યાંથી ભાગી ગયા.
ગુજરાતના અમરેલી જિલ્લાના સાવરકુંડલાના થોરડી ગામમાં સિંહ અને કૂતરા વચ્ચે એવી અથડામણ થઈ કે લોકો અચંબામાં પડી ગયા. આ અથડામણ સીસીટીવીમાં કેદ થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે સિંહો શિકારની શોધમાં રહેણાંક વિસ્તારોમાં પહોંચ્યા હતા. આ દરમિયાન સિંહ લટાર મારતો હતો ત્યારે એક ગૌશાળાના દરવાજા પાસે આવ્યો હતો.
સિંહો ગૌશાળાના દરવાજા પાસે પહોંચ્યા કે તરત જ ત્યાં હાજર બે કૂતરાઓ દરવાજાની બીજી બાજુથી સિંહો પર ભસવા લાગ્યા. કૂતરાઓના ભસવાના કારણે સિંહોએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ દરવાજો બંધ હોવાથી તેઓ કંઈ કરી શક્યા નહીં. એકવાર સિંહે દરવાજો એટલી જોરથી માર્યો કે તે તૂટતાં તૂટતાં બચી ગયો.
કૂતરાઓ પાછળ હટ્યા નહીં અને સિંહ પર ભસવાનું ચાલુ રાખ્યું. થોડા સમય બાદ બંને સિંહો ત્યાંથી ભાગી ગયા હતા. કૂતરાઓના ભસવાથી ગૌશાળામાં હાજર વ્યક્તિ જાગી ગયો અને તે ગેટ પાસે આવ્યો. તેણે લગભગ ખૂલી ગયેલો ગેટ બંધ કરી દીધો અને પછી સિંહોને જોવાનો પ્રયત્ન કર્યો પણ ત્યાં સુધીમાં તેઓ ભાગી ગયા હતા.
હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો કૂતરાઓની બહાદુરીના વખાણ કરી રહ્યા છે. સિંહને જોઈને કૂતરાઓ ભસવા લાગ્યા અને તેમને ભાગવું પડ્યું. જેના કારણે ગાયોનો જીવ બચી ગયો અને માલિક પણ સતર્ક થઈ ગયો.