ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે આજે અમરેલી, નવસારી, વલસાડ, દીવ અને દાદરા નગર હવેલીમાં 26 જુલાઈ સુધી ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ સહિતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. બીજી તરફ, રાજ્યમાં આજે બપોરના ચાર વાગ્યા સુધી 205 તાલુકામાં અનેક સ્થળે ભારે વરસાદ ખાબક્યો હતો.
પાંચ દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાત પર હાલ ત્રણ સિસ્ટમ સક્રિય છે. ઉત્તર ગુજરાતમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે આ સાથે દક્ષિણ ગુજરાતમાં ઓફ શોર ટ્રફ અને શિઅર ઝોન સક્રિય છે.
સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે આજે આણંદ,પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ,તાપી જિલ્લો સામેલ છે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. આ સાથે અરાવલ્લી, ખેડા, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
આવતીકાલે શુક્રવારના દિવસે આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગર જિલ્લાઓ સામેલ છે જ્યાં ઓરેન્જ એલર્ટ છે. આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે જૂનાગઢ, ગીરસોમનાથ બોટાદમાં ભારે વરસાદની આગાહી આપવામા આવી છે.
શનિવાર અને રવિવાર માટે હવામાન વિભાગે આગાહી આપતા જણાવ્યુ છે કે, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. આ સાથે અમરેલી અને બોટાદમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી છે.
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ વચ્ચે રાજ્યના કુલ 207 જળાશયોમાંથી 31 જળાશયો સંપૂર્ણ રીતે ભરાઇ ગયા છે. જ્યારે 60 જેટલા જળાશયોને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રના 28 અને કચ્છ જિલ્લામાં આવેલા ત્રણ જેટલા જળાશયો ઓવરફ્લો થયાં છે.