જુનના અંતિમ સપ્તાહમાં વરસાદે ધબધબાટી બોલાવી છે. અટવાયેલા વાદળોનું ઝુંડ ગુજરાત તરફ અચાનક ધસી આવ્યું હોય તેમ ગુજરાતમાં ઠેરઠેર વરસાદ નોંધાયો છે. પૂર્વ અને બંગાળની ખાડીમાંથી ચોમાસાનો પ્રવેશ થયો છે.હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ દે ધના ધન વરસી રહ્યો છે. ત્યારે હજી પાંચ દિવસ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ ધમાલ મચાવશે તેવી આગાહી કરવામાં આવી છે તે જોઇએ.
ભારે વરસાદની આગાહી, ભાવનગરમાં NDRFની ટીમ ખડેપગે
રાજ્યમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં ઝરમરથી લઈને ભારે વરસાદ પડી રહ્યો છે. આગામી દિવસોમાં ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે તંત્રએ આગમચેતીના ભાગરૂપે તમામ તૈયારીઓ કરી લીધી છે. ભાવનગરમાં હાલ NDRFની 30 સભ્યોની ટીમ ખડેપગે છે. સંભવિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે NDRFની ટીમ સ્ટેન્ડ બાય છે.
ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું
હવામાન વિભાગના મેપ પ્રમાણે, આજે (1 જુલાઈ) એટલે સોમવારે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. તમામ જિલ્લામાં ગાજવીજની પણ આગાહી કરવામાં આવી છે.આ સાથે દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવી છે.
અત્યંત ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજે 10 વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્રના સાત જિલ્લા સહિત આઠ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવી છે. 10 વાગ્યા સુધીમાં કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
અંબાલાલ પટેલે કરી આ મહત્વની આગાહી
તો આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે. ગુજરાતમાં પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે. આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ એ ચોમાસા આગમનનું સૂચન છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે. રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે.