ભારત સહિત સમગ્ર દુનિયામાં કોરોનાની ભયાનકતાથી મંદીની અસરમાં આર્થિક તંત્ર તહસ-નહસ થઈ ગયું છે. હજી તેની અસરના પડઘા વર્તાઈ રહ્યા છે ગુજરાતનું અર્થતંત્ર આ બાબતે અલગ જ દિશામાં છે. ગુજરાતમાં વેપાર-ધંધાએ ઝડપ પકડી લીધી છે. આ વાત રાજયની તમામ બેંકોમાં ગુજરાતીઓ દ્વારા મૂકાયેલી ડિપોઝિટ પરથી નક્કી થઈ રહી છે.
ડિસેમ્બર-2021માં ગુજરાતની બેંકમાં કુલ રૂા.9,30,423 કરોડ રૂ. ડિપોઝિટ થયા હતા. તેની સામે ડિસેમ્બર-2022માં 10,24,264 કરોડ રૂ. ડિપોઝિટ થયા. એટલે કે, આ એક વર્ષમાં રાજયની વિવિધ બેંકોમાં ગુજરાતીઓએ જમા કરેલી રકમમાં કુલ રૂા.93,841 કરોડનો વધારો થયો. આ રકમને ટકાવારીમાં જોઈએ તો એ 10.09 ટકા થાય છે.
એ સૂચવે છે કે, ગુજરાતીઓએ તેમની જાવક સામે આવકમાં અને તેમાં પણ બચતમાં ખાસ્સો વધારો ફરી હાંસલ કરી લીધો છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર-2021માં ગુજરાતની આ બેંકોએ ધંધા-રોજગાર સહિતના વિવિધ કારણો અને વિવિધ યોજના માટે 7,22,922 કરોડની લોનો લીધી હતી 2022માં આ બેંકોમાંથી ગુજરાતીઓએ કુલ 8,14,532 કરોડની લોનો લીધી. મતલબ કે, આ એક વર્ષના ગાળામાં ગુજરાતીઓએ લીધેલી લોનમાં રૂા.91,590 કરોડનો વધારો થયો. જે 12.97 ટકા જેટલો વધારો કહી શકાય.
આ બાબતને બીજી ગણતરીથી સમજીએ તો. ડિસેમ્બર-2021થી ડિસેમ્બર-2022 સુધીના એક વર્ષના ગાળામાં એકતરફ ગુજરાતીઓ દ્વારા બેંકોમાં કુલ રૂા. 10,24,264 કરોડ જમા કરાવાયા હતા ત્યાં બીજીબાજુ ધંધા-રોજગાર સહિતના કારણો કે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ડિપોઝિટોમાં 10.09 ટકાના વધારા સામે ક્રેડિટ (લોન-એડવાન્સ)માં 12.67 ટકાનો વધારો થયો છે.
બેંકિંગના શબ્દોમાં કહેવામાં આવે તો, ડિસેમ્બર-2021માં ગુજરાતનો બેંક ક્રેડિટ-ડિપોઝિટ રેશિયો 77.70 ટકા હતો, તો તેની સામે ડિસેમ્બર-2022માં આ બેંક ક્રેડિટ-ડિપોઝિટ રેશીયો 79.52 થયો હતો. આ સમયગાળામાં ગુજરાતીઓએ કરેલી બેંક ડિપોઝિટ સામે વિવિધ કારણોસર 79.52 ટકા ક્રેડિટ પણ મેળવી.
ગુજરાતમાં સ્ટેટ બેંક ગ્રુપની, નેશનલ બેંક ગ્રુપની, રિજનલ રૂરલ બેંકો (આર.આર.બી.), સહકાર બેંકો, ખાનગી બેંકો, સ્મોલ ફાયનાન્સ બેંકો સહિતની વિવિધ પ્રકારની બહંકની કુલ 9928 બ્રાન્ચ છે. જે ગત ડિસેમ્બર 2021માં 9837 હતી એટલે કે તેમાં 90 બ્રાન્ચનો વધારો થયો છે. એમાં પણ ગ્રામ્ય કક્ષાએ 3525 બ્રાન્ચ, 2314 જેટલી સેમિ અર્બન, 4089 શહેરી વિસ્તારોમાં બેંક બ્રાન્ચ છે.
અહીં એ પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ગુજરાતીઓએ બચત ડિપોઝિટ માટે ખાનગી બેંકોને પર વધારે પસંદગી ઉતારી છે. ડિસેમ્બર-2021ની સરખામણીમાં ડિસેમ્બર-2022 સુધીમાં રાજયની ખાનગી બેંકોમાં ગુજરાતીઓએ કુલ રૂા. 3,42,425 કરોડની ડિપોઝિટ જમા કરાવી હતી. જે અન્ય તમામ બેંકોની સામે 18.97 ટકા જેટલી હતી.