ગુજરાતમાં પાછલા એક દાયકાનો રેકોર્ડબ્રેક કરતો વરસાદ નોંધાયો છે. આ વરસાદ રાજ્યમાં સાર્વત્રિક છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ નોંઘપાત્ર વરસાદ થવાથી ખેડુતોમાં ખુશી છે. આજે સવાર સુધીની વાત કરીએ તો ભરુચના વાગરા તાલુકામાં 9 ઇંચથી વધારે તો કચ્છમાં અંજાર ખાતે 8.5, ભૂજમાં 8, ડાંગના વઘઈમાં 7, ગાંધીધામમાં 7, વાંસદામાં 6.5, ડાંગમાં 6.5, કરજણમાં 6 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ તો મધ્ય ગુજરાતમાં ઓરેંજ એલર્ટ ઘોષિત છે. ઉલ્લેખનીય છે કે, અતિભારે વરસાદને કારણે રાજ્યના 89 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ભરૂચના ડેડિયાપાડામાં 21, તિલકવાડા 20, સાગબારામાં 18, ગરુડેશ્વર 16 ઇંચ વરસાદથી અહીં જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.
છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાને જોતાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં જૂન મહિનામાં સરેરાશ અઢી ઈંચ વરસાદની સામે જુલાઈના પ્રથમ 12 દિવસમાં જ સરેરાશ 12 ઈંચ વરસાદ થયો છે. જુલાઈના સરેરાશ વરસાદની સામે અત્યાર સુધી 43 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા 10 દિવસમાં જ રાજ્યમાં સિઝનનો 33 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જે છેલ્લા આઠ વર્ષનો રેકોર્ડબ્રેક છે.
વરસાદની સૌથી મહત્વની બાબત એ છે કે, રાજ્યમાં જળાશયોમાં 6 દિવસમાં જળસંગ્રહમાં 9 ટકા વધારો થયો છે. રાજ્યમાં વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ પાણીની સમસ્યા બાબતે ઘણેઅંશે રાહત મળશે. રાજ્યમાં ભારે વરસાદને પગલે એસટીના 73 ગામોના રૂટ બંધ કરાયા હતા. જે ક્રમશઃ શરૂ કરવામાં આવી રહ્યા છે.
વીજ પુરવઠાની વાત કરીએ તો, 19 ગામોમાં હજુ અંધારપટ છે. વરસાદને કારણે કચ્છને જોડતો નેશનલ હાઇવે સહિત 15 સ્ટેટ હાઇવે, 12 અન્ય રસ્તા અને 439 પંચાયત માર્ગો મળી 467 રસ્તા હજીપણ બંધ છે, જે શરૂ થાય એ માટે કામગીરી શરૂ કરવામાં આવી છેે.
નવસારીના પૂર્ણા નદીમાં આવેલ પૂરે ભારે તારાજી સર્જી છે તેનું હવાઈ નિરીક્ષણ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ સાથે બેઠકો કરી રાજ્યની પરિસ્થિતિનો ઝીણવટભર્યો ચિતાર મેળવ્યો તેમજ લોકોના જાનમાલને નુકશાન થયું છે તેમને ઝડપથી સહાય ચૂકવવા સૂચના આપી છે.