વૃદ્ધ પિતાએ 65 વર્ષ સુધી કામ કર્યું, શરીરે સાથ છોડ્યો એટલે આવક બંધ થતાં પુત્રનો પિતા પર જુલ્મ વધી ગયો, પિતા ઘરમાં ન આવક બંધ થતા પુત્રનો પિતા ઉપર ત્રાસ વધી ગયો, જમવાનું પણ બંધ કરી દીધું અને ઘરમાંથી નીકળી જવા દબાણ કરવા લાગ્યો હતો એટલું જ નહીં મારઝુડ પણ કરી લેતો હતો. કપાતર પુત્રના અત્યાચાર રાત-દિવસ એ હદે વધવા લાગ્યા હતા કે, ઘરમાં લાઈટ વપરાશ, વેરાબિલ ભરવા પણ પિતાને આ ઉંમરે કામ કરાવવા મજબૂર કરતો હતો. એક રૂપિયો ખર્ચ કે ભરણપોષણ માટે ન આપતાં ત્રસ્ત પિતા પાસે કોઈ વિકલ્પ ન રહેતા આ વૃદ્ધ પિતાએ ફેમિલી કોર્ટના શરણે પહોંચી ન્યાય મેળવવા અરજી કરી છે.
અરજદાર 74 વર્ષના રાજેશચંદ્ર રાણા ખટોદરામાં પુત્ર વિક્રમ વહુ લક્ષ્મી અને પૌત્ર કલ્પેશ રાણા સાથે રહેતા હતા. રાજેશચંદ્રને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રીઓ હતી. રાજેશચંદ્રએ પોતાના લગ્નજીવન દરમિયાન કરકસર કરી ત્રણ પુત્રી અને એક પુત્રના લગ્ન કરાવ્યા હતા. રાજેશચંદ્રની પત્ની વિકલ્પા રાણાનું 2008માં અવસાન થયા બાદ તો જાણે તેમનું જીવન જીવતું દોઝખ થઈ ગયું હતું. તેઓ વોરપિંગ મશીનમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમની આવક ઘરમાં આપી દેતાં હતા અને લાઈટબિલ, વેરાબિલ સહિતના તમામ ખર્ચાઓ તેઓ કરતા હોવા છતાંય પુત્ર અને વહુ ઘરમાં રહેવા બાબતે કંકાસ કરતા અને રસોડામાં દયનીય હાલતમાં સુવા માટે મજબૂર કરતા હતા. નોકરી છૂટ્યા બાદ તો નર્કાગાર જેવું તેમનું જીવન લાગવા લાગ્યું હતું સતત ગંદી ગાળો સહન કરવાની અને ન તો ખાવાનું સરખું આપતા હતા.
ઘરમાંથી કાઢી મુકવા મારઝુડ સુધીનો અત્યાચાર અસહ્ય થતાં નાછૂટકે તેમણે ન્યાય મેળવવા અદાલતનું શરણું લઈ એડવોકેટ પ્રિતિ જોષી અને એડવોકેટ સંદિપ પટેલ દ્વારા ફેમિલી કોર્ટમાં ભરણપોષણ માટે અરજી કરી હતી. તેમના દયનીય સંજોગો જાણ્યા બાદ વ્યવસાયિકને બદલે માનવવતાવાદી અભિગમ દાખવતાં એડવોકેટ પ્રિતિ જોષીએ સ્તુત્ય પગલું ભરી ન્યાય અપાવવા એકપણ રૂપિયો લીધા વગર લડતમાં સાથ આપવાનો નિર્ણય કર્યો છે.