સરકારી મેડિકલ કોલેજોમાં સસ્તું તબીબી શિક્ષણ મેળવી ધમધોખાર પ્રેકટીસ શરૂ કરી દેતાં તબીબો ગ્રામ્ય ક્ષેત્રમાં સરકારી આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં સેવા આપવા જતા નથી. જે તેમના શિક્ષણની શરત મુજબ હોવું જોઈએ. એટલું જ નહીં તે માટે જે બોન્ડ આપ્યો હોય છે તે પણ ભરપાઈ નથી કરતા અને રાજયના કરદાતા નાણાથી ભણી તે નોટો ગણવામાં પડી જાય છે. આ મુદ્દો ફક્ત સરકારને મુરખ બનાવવા પુરતો સિમિત નથી તેઓ અહીં એક નાગરિક તરીકેની ફરજ અદા કરવાથી પણ ભાગી રહ્યા છે. આ શરમજનક સ્થિતિ છે. આ બાબત ધ્યાન પર આવતાં તેઓને સબક શીખવવાની તૈયારી ચાલી રહી છે. સરકાર સુત્રોનું માનીએ તો, આ રીતે બોન્ડના નાણા ભર્યા વગર કે સરકારી સેવામાં ફરજ બજાવ્યા વગર જ ચાલ્યા ગયેલા તબીબો સામે કાનુની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.
સૌથી ઉમદા અને માનવીય વ્યવસાય તરીકે તબીબી વ્યવસાયનું સ્થાન કોઈ મેળવી શકે તેમ નથી. ભગવાનનો દરજ્જો જેને સમાજ આપે છે ત્યાં પ્રથમ પગથિયે જ અનૈતિકતા જોવા મળે ત્યારે સમાજની દિશા કઈ તરફ માપવી એ સવાલ છે. આ વાત માટે સૌ પ્રથમ આંકડાઓ પર જો નજર કરવામાં આવે તો, 2020-21ના વર્ષમાં રાજય સરકારની ગ્રાન્ટથી ચાલતી સરકારી મેડિકલ કોલેજમાં ભણી ગયેલા 2653 તબીબોમાંથી 1856 એ શરત અનુસાર નથી સરકારી ગ્રામ્યક્ષેત્રની સરકારી સેવામાં જોડાવાનું પસંદ કર્યુ અને તેમાં પણ 1310 તો બોન્ડના નાણા ભર્યા વગર જ હવે પ્રેકટીસ પણ કરવા લાગ્યા છે. વર્ષ 2020- 21માં કુલ 1465 તબીબો જે સરકારી કોલેજોમાં ભણ્યા અને ડિગ્રી મેળવી પછી તેઓને પોસ્ટીંગ અપાયુ છે. પોસ્ટીંગ અપાયું એ પૈકી 1096 હાજર જ થયા નહી. 194 એ બોન્ડના નાણા ચુકવી દીધા પણ 902 એ તો તે પણ ચુકવ્યા વગર જ સરકારને ચૂનાનો ડોઝ આપ્યો.
ખાનગી કોલેજોમાં મોંઘાદાટ શિક્ષણ સામે કરદાતાના નાણામાંથી આ તબીબોને સસ્તુ મેડિકલ શિક્ષણ મળ્યું એમછતાંય જો તેઓ પોતાની ફરજ ચુકીને આ રીતે દાંડાઈ કરે તો સમાજ તેમના પાસે આગળ જતાં શું અપેક્ષા રાખે. સરકાર એક તરફ ગરીબો અને મધ્યમવર્ગને માટે તબીબી સેવાઓ સાવ નજીવા દરે આપવા યોજનાબદ્ધ કામ કરી રહી છે અને એ માટે તોતિંગ બજેટ પણ ફાળવે છે અને બીજીતરફ સસ્તું મેડિકલ શિક્ષણ પણ આપે છે, ત્યારબાદ અનેક વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજયુએશન માટે ઉંચી શિક્ષણ ફી ચુકવે છે પરંતુ સરકારને તેની સામે બોન્ડની રકમ રૂા.10 લાખ ચુકવવા માંગતા નથી એ કઈ રીતની માનસિક્તા છે એ ચિંતનનો વિષય છે.