રવિવારે ચેન્નાઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચ દરમિયાન ઘણા લોકોએ મહાદેવ એપ દ્વારા સટ્ટાબાજીની રમત રમી હતી. મુંબઈ સહિત શહેરોમાં પણ ઘણા લોકો અહીંથી સટ્ટો રમતા હોવાનું જાણવા મળ્યું છે. સટ્ટાબજારનું નેટવર્ક કેટલી હદે હાવી છે એ જ આ દર્શાવી રહ્યું છે. મહાદેવ એપના બુકીઓની 60 વેબસાઈટ દુબઈથી ઓપરેટ થઈ રહી છે. આ વેબસાઇટ્સ પર ચેટ રૂમ બનાવવામાં આવ્યા છે જે ચેટ એપ્લિકેશનને જાળવી રાખે છે.
ઈડી અને દેશભરની પોલીસના કથિત સકંજા બાદ પણ સ્પષ્ટ છે કે સટોડિયા તત્વો કાયદાનો ભંગ કરી રહ્યા છે. EDની કાર્યવાહી બાદ પણ મહાદેવ એપ દ્વારા સટ્ટાબાજીની રમત સતત ચાલી રહી છે. ED અનુસાર, 60થી વધુ એપ્સ છે, જેને આરોપી સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ ઓપરેટ કરી રહ્યા છે. આમાંથી કેટલીક એપ્સનો ઉપયોગ મેચ દરમિયાન સટ્ટાબાજી માટે કરવામાં આવ્યો છે. EDએ રિમાન્ડ અરજીમાં ટાંક્યું છે કે રવિ ઉપ્પલ, સતીશ કુમાર અને કપિલ ચેલાની સાથે દુબઈમાં છે.
તપાસ સાથે સંકળાયેલા અધિકારી સુત્રોનું કહેવું છે કે, લોટસ 365, લેજર બુક, ફેર પ્લે અને ટાઇગર એક્સચેન્જ જેવી એપ્સ છે જેનો ઉપયોગ મેચ દરમિયાન સટ્ટાબાજી માટે કરવામાં આવે છે. આ એપ્સ ભારતમાં હજુ પણ સક્રિય છે. જ્યારે EDએ મની લોન્ડરિંગના આરોપોની તપાસ શરૂ કરી ત્યારે કરોડો રૂપિયાની ઉચાપત ઉજાગર થઈ. મહાદેવ સટ્ટાબાજી એપ સંબંધિત કેસમાં અત્યાર સુધીમાં 30 બોલિવૂડ સ્ટારની પણ ઓળખ કરવામાં આવી છે.
સૌરભ, રવિ દુબઈમાં બેસીને ઓપરેટ કરે છે: છત્તીસગઢ પોલીસની સાથે આંધ્રપ્રદેશ પોલીસ પણ મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપ સાથે જોડાયેલા લોકોની તપાસ કરી રહી છે. આંધ્રપ્રદેશના અલગ-અલગ શહેરોમાં મહાદેવ એપના ઘણા કોલ સેન્ટર ચલાવવામાં આવી રહ્યા છે. આંધ્રપ્રદેશ પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે સૌરભ ચંદ્રાકર તેના સહયોગી રવિ ઉપ્પલ, કપિલ ચેલાની અને સતીશ કુમારની મદદથી દુબઈમાં બેસીને તમામ વેબસાઈટ ઓપરેટ કરે છે.
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ક્રિકેટ જ નહીં પરંતુ મહાદેવ એપ દ્વારા અલગ-અલગ રમતો પર કરોડોનો સટ્ટો રમાય છે. ક્રિકેટની સાથે અન્ય રમતોમાં પત્તાની રમત, ચાન્સ ગેમ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ, તીન પત્તી, ડ્રેગન ટાઈગર વગેરેનો સમાવેશ થાય છે.