અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં શુક્રવારે સવારે દોષિતોને સજાની જાહેરાત થઈ. શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટે સજાનું એલાન કરતાં 49 દોષિતોને વિવિધ સજા ફટકારી હતી. ભારતના ઈતિહાસમાં સૌ પ્રથમ જ વખત એવું બન્યું છે કે, 38 દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. 2008માં અમદાવાદને રક્તરંજિત કરનારા આ કાવતરામાં સજા અંગે દેશભરના લોકોની નજર હતી. શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકામાં 56 નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો હતો, તો 244 જેટલા નાગરિકો ગંભીર ઘવાયા હતા. 26 જુલાઈ 2008એ શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા અને તેના કાવતરામાં પોલીસ દ્વારા સુરતમાં 15 ફરિયાદ અને અમદાવાદમાં 20 પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. બ્લાસ્ટ કેસમાં 7 હજાર 15 પાનાંનો ચુકાદો આપવામાં આવ્યો છે.
2008માં અમદાવાદ ખાતેના શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કેસમાં 9 ફેબ્રુઆરીએ અમદાવાદ સ્પેશિયલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં કુલ 77 આરોપીમાંથી 49 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા તો 28 આરોપીનો પુરાવાના અભાવે નિર્દોષ છુટકારો થયો છે.આ કેસના 8 આરોપીઓ હજીપણ પોલીસ પકડથી દૂર છે.
અરેરાટીપૂર્ણ આ આંતકી કૃત્યમાં સૂત્રધાર ઇકબાલ શેખ પર ઠક્કરનગરમાં સાયકલ બ્લાસ્ટ અને AMTSમાં બ્લાસ્ટ કરવાનો આરોપ છે. ઇસ્માઇલ ઉર્ફે રાજિક પર એલ.જી.હોસ્પિટલમાં વિસ્ફોટકો ભરેલી કાર મુકીને બ્લાસ્ટ કરવાનો આરોપ છે. જ્યારે અફઝલ ઉસ્માની પર સિવિલમાં વિસ્ફોટકો ભરેલી કાર મુકીને બ્લાસ્ટ કરવાનો આરોપ છે. અન્ય આરોપી મુફ્તી અબુબસર શેખ પર બ્લાસ્ટનું કાવતરૂ ઘડીને મદદગારીનો આરોપ છે. જ્યારે અન્ય મુખ્ય આરોપી છે ઉજ્જૈનના સફદર હુસૈન નાગોરી પર બ્લાસ્ટ માટે ફંડ એકત્ર કરવાનો આરોપ છે.
26મી જુલાઇ 2008, શનિવારની આ ઘટનાથી સમગ્ર અમદાવાદમાં અફરાતફરી મચી ગઈ હતી. શહેરભરના અલગ અલગ વિસ્તારોમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટમાં 56 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા અને 244 જેટલા નાગરિકો ગંભીર ઘવાયા હતા.
કોને થઈ કઈ સજા…
જાહીદ ઉર્ફે જાવેદ – ફાંસી, ઇમરાન ઇબ્રાહીમ શેખ – ફાંસી ઇકબાલ કાસમ શેખ – ફાંસી સમુસુદ્દીન શેખ – ફાંસી ગ્યાસુદ્દીન અન્સારી – ફાંસી મોહંમદ આરીફ કાગઝી – ફાંસી મોહંમદ ઉસ્માન અગરબત્તીવાળા – ફાંસી હુસૈન મન્સુરી – ફાંસી કમરૂદ્દીન ઉર્ફે રાજા – ફાંસી આમીલ પરવાજ – ફાંસી સીબલી ઉર્ફે સાબીત – ફાંસી સફદર હુસૈન નાગોરી – ફાંસી હાફીજહુસૈન અદનાન – ફાંસી મોહંમદ સાજીક સાદ – ફાંસી અબુબસર ઉર્ફે મુફ્તી શેખ – ફાંસી અબ્બાસ સમેજા – ફાંસી જાવેદ અહેમદ શેખ – ફાંસી અતિકુરરહેમાન ખીલજી – આજીવન કેદ મહેંદીહસન અન્સારી – – આજીવન કેદ ઇમરાન અહેમદ પઠાણ – આજીવન કેદ મહંમદ અલી અબુબકર – આજીવન કેદ મહંમદ ઇસ્માઇલ મન્સુરી – ફાંસી અફઝલ ઉસ્માની – ફાંસી મોહંમદ સાદીક શેખ – – આજીવન કેદ મહંમદ આરીફ શેખ – ફાંસી આસીફ શેખ – ફાંસી રફીયુદ્દીન કાપડીયા – આજીવન કેદ મહંમદ આરીફ મીરઝા – ફાંસી કયામુદ્દીન કાપડીયા – ફાંસી મહંમદસૈફ શેખ – ફાંસી જીસાન અહેમદ – ફાંસી ઝીયાઉર રહેમાન – ફાંસી મોહંમદ શકીલ લુહાર – ફાંસી અનીક ખાલીદ મોહંમદ અકબલ ચૌધરી – ફાંસી ફઝલે રહેમાન દુરાની – ફાંસી મોહંમદ નૌસાદ સૈયદ અહેમદબાવા બરેલવી – ફાંસી સરફુદ્દીન સત્તાર – ફાંસી સૈફુર રહેમાન અન્સારી – ફાંસી મોહંમદ અન્સાર સાદુલી અબ્દુલકરીમ – ફાંસી મોહંમદ તનવીર પઠાણ – ફાંસી આમીન ઉર્ફે રાજા – ફાંસી મોહંમદ મોબીન – ફાંસી મોહંમદઅબરાર મણીયાર મોહંમદ રફીક – ફાંસી તૌસીફખાન પઠાણ – ફાંસી
38 આરોપીઓને UAPA એક્ટ હેઠળ ફાંસીની સજા ફટકારવામાં આવી છે, સાથે જ ઇજાગ્રસ્તોને રુ 50,000 નું વળતર સરકાર આપે તેવો કોર્ટે આદેશ કર્યો છે. તો મૃતકના પરિવારને રાજ્ય સરકાર 1 લાખ વળતર આપે તેવો કોર્ટે હુકમ કર્યો છે.