હાલ ગુજરાત પર ઓફશોર ટ્રફ એક્ટિવ છે અને નોર્થ ઇસ્ટ અરેબિયન સીમાં એડજોઇન સૌરાષ્ટ્ર રિજનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેના કારણે ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં 20 ટકાની આસપાસ સામાન્ય કરતા વધારે વરસાદ નોંધાયો છે. આવામાં આવનારા પાંચ-છ દિવસ દરમિયાન વરસાદ કેવો રહેશે અને ક્યાં-ક્યાં ભારે વરસાદ પડશે, તે જાણીએ…
રાજ્યમાં આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે 05 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તાર સહિત સૌરાષ્ટના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, નર્મદ, ભાવનગર જિલ્લામાં ઓેરેન્જ એલર્ટ અને કચ્છ, બનાસકાંઠા, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આજે (01 ઓગસ્ટ) ભરુચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે.
ગુજરાતમાં સાત દિવસ હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સાત દિવસમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે, શુક્રવારે સુરત, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ સાથે બનાસકાંઠા, નર્મદા, ભરુચ, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
3 ઓગસ્ટની આગાહી
આ દિવસે રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદનું જોર રહેતાં, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા, છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે ઓરેન્જ એળર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સિવાય કચ્છ, પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, જૂનાગઢ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.
4 ઓગસ્ટની આગાહી
આ દિવસે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે કચ્છ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 22 જિલ્લામાં હળવાથી મધ્યમ માહોલને પગલે હવામાન વિભાગે નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.
5 ઓગસ્ટની આગાહી
5 ઓગસ્ટે રાજ્યમાં વરસાદનું જોર ઘટતું જોવા મળશે. જેમાં માત્ર નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એળર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આ સિવાયના 31 જિલ્લામાં વરસાદનું પ્રમાણ નહિવત રહેશે.