કોરોનાકાળ અને તેની અસરોમાંથી મુક્ત થયું એમ હવે ગુજરાતમાં આ ક્ષેત્રે ગાડીએ ઝડપ પકડી લીધી છે. ગત વર્ષની જ વાત કરીએ તો મિલકતોની સ્ટેમ્પ ડયુટી તથા રજીસ્ટ્રેશન ફીની આવકમાં 19 ટકાનો વધારો નોંધાયો છે. એટલું જ નહીં 2022 માં પ્રોપર્ટી રજીસ્ટ્રેશનમાં પણ 11 ટકાની વૃધ્ધિ થઈ છે.
રાજય સરકારનાં સત્તાવાર સૂત્રોની વિગતો પર નજર કરીએ તો, સમગ્ર 2022 દરમિયાન ગુજરાતમાં 1597188 મિલ્કતોનું રજિસ્ટ્રેશન થયુ હતું. આ આંકડો 2021ના 1429607 મિલ્કતોનાં રજિસ્ટ્રેશન કરતાં 11 ટકા વધારે છે. સરકારને સ્ટેમ્પ ડ્યુટી તથા રજિસ્ટ્રેશન ફી પેટે રૂ. 8769 કરોડની આવક થઈ હતી. જે 2021 માં 7337.9 કરોડની સરખામણીએ 19 ટકા વધુ છે. 2020માં કોરોનાનો કેર દુનિયાભરમાં વર્તાયો અને લોકડાઉન સહીતના પગલાઓ લેવાતાં જીવન થંભી જવા સાથે બાંધકામ સહિતની પ્રવૃતિ સંપૂર્ણ ઠપ થઈ ગઈ હતી.તે સમયગાળાની સરખામણીમાં તો પ્રોપર્ટી રજિસ્ટ્રેશનમાં 57 ટકા તથા સ્ટેમ્પ ડ્યુટી આવકમાં 94 ટકાનો વધારો થયો છે.
સુરત સ્થિત રિઅલ એસ્ટેટ ક્ષેત્રનાં નિષણાંતોનું કહેવું છે કે, કોરોનાકાળમાંથી બહાર આવતાની સાથે જ મિલકતોનાં વ્યવહારોમાં નોંધપાત્ર વૃદ્ધિ છે. સુરત સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બિન નિવાસી ભારતીયો પણ મિલકતો ખરીદવામાં સારો એવો રસ ધરાવી રહ્યા છે. જો સરકાર તરફથી સ્ટેમ્પ ડ્યુટી તથા રજિસ્ટ્રેશન ફીમાં ઘટાડો કરવામાં આવે તો રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં હજી વધારે વિકાસ થઈ શકે છે.
ક્રેડાઈ ગુજરાતનાં પ્રમુખ અજય પટેલનું કહેવું છે કે, કોરોના વખતે નાણાકીય અનિશ્ચિતતા હતી હવે આવુ કોઈ જોખમ છે નહિં એટલે લોકો રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રોકાણ પણ કરી રહ્યા છે.