ગુજરાત વિધાનસભામાં સુરતની શાળા કોલેજના સિલેક્ટેડ 16 સહિત અમરેલી, જામનગર, રાજકોટ, વડોદરા ,ગોંડલ ,કચ્છ, મહેસાણા ગાંધીનગર, અમદાવાદ અને નડિયાદ સહિતના વિદ્યાર્થીઓનું આવતીકાલ ગુરુવારે યુવા વિધાનસભા સત્ર મળશે. આ સત્રમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષથી માંડીને મુખ્યમંત્રી, વિપક્ષના નેતા, વિભાગના મંત્રી સહિત વિદ્યાર્થીઓ એક દિવસના ધારાસભ્ય બનશે. ગૃહમાં તેઓ પોતાનું પ્રતિનિધિત્વ કરશે. આ સત્ર માટે પ્રશ્નોત્તરી કાળ પણ રાખવામાં આવ્યો છે. પ્રશ્નોત્તરી કાળ માટે 30 જેટલા પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા છે.
ગાંધીનગર વિધાનસભામાં શાળા કોલેજના યુવા મતદારો દ્વારા એક દિવસનું વિધાનસભા સત્ર મળશે ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાના સ્પીકર ડો.નીમાબેન આચાર્યએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યુવા નેતૃત્વ તાલીમને સાંકળીને આ વિધાનસભા સત્રનું આયોજન કર્યું છે. વિધાનસભાના અધ્યક્ષ તરીકે વડોદરાના વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવી છે.
અમદાવાદ ઉપરાંત અમરેલી, સુરેન્દ્રનગર, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર એમ 6 જિલ્લાના 16 વિદ્યાર્થીઓનું મંત્રીમંડળ બનશે. આ સત્રમાં બજેટ ઉપરની ચર્ચા પણ કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ધારાસભ્ય તરીકે રાજકોટના 39 જામનગરના 4 અમરેલીના 7 ગોંડલના 5 કચ્છના 10 અમદાવાદના 63 ગાંધીનગર ના 21 વડોદરાના 14 સુરતના 16 આણંદ મહેસાણા અને નડિયાદના 1-1 વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવી છે. આવતીકાલે સવારે 9:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી ખાસ વિધાનસભા સત્ર મળશે.
ગુજરાતમાં 50% થી વધુ યુવા મતદારો નોંધાયા છે, ત્યારે યુવાનોમાં નેતૃત્વના ગુણોનો વિકાસ થાય સાથે સાથે ગુજરાતની સંસદીય પરંપરાઓથી પણ યુવાધન વાકેફ થાય તે હેતુથી યુવા વિધાનસભાનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. એક દિવસના વિધાનસભા સત્રના કાર્યક્રમની શરૂઆત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવશે આ ઉપરાંત ગૃહ મંત્રી હર્ષ સંઘવી તેમજ વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહેશે.