કાશ્મીરી ખીણમાં યુવાનો આંતકવાદ જેવી વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક કાશ્મીરી યુવાનો એકતા અને દેશપ્રેમની ભાવના કેળવે, કટ્ટરપંથી પ્રવૃતિઓથી દૂર રહી પોતાનો સર્વાંગી વિકાસ સાધે એ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સહયોગથી કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા તા.૧૪ થી ૧૯ ડિસે. દરમિયાન પી.પી.સવાણી ઈન્ટરનેશનલ સ્કુલ, મોટા વરાછા રોડ, અબ્રામા, સુરત ખાતે યુવા આદાન પ્રદાન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જેના ભાગરૂપે કાશ્મીરથી સુરત આવેલા ૧૫૦ યુવાનોને ઐતિહાસિક તેમજ ઔદ્યોગિક સ્થાનોની મુલાકાત કરાવવામાં આવી હતી.
નેહરુ યુવા કેન્દ્ર- સુરતના જીલ્લા યુવા અધિકારી સચિન શર્માંના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત અંતર્ગત કાશ્મીરી યુવાનોએ નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને નેશનલ સોલ્ટ મેમોરિયલ-દાંડીની મુલાકાત લીધી હતી.
નવસારી કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.ઝેડ.પી. પટેલે ખેતીમાં નવી ટેકનોલોજી તેમજ તેના અભ્યાસ, બામ્બુ સેટઅપ તેમજ આધુનિક અને પ્રગતિશીલ ખેતી વિશે સમજ આપી હતી. આ પ્રસંગે સુરત, નવસારી, વલસાડ અને સિલવાસાના જિલ્લા યુવા અધિકારીઓ અને કાર્યક્રમ સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા.