સાવજ ગરજે!
વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમંદર ગરજે!
ક્યાં ક્યાં ગરજે?
બાવળના જાળામાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઉગમણો, આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે
થર થર કાંપે!
વાડામાં વાછરડાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડા કાંપે
ઝાડ તણાં પાંદલડાં કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓનાં જળ પણ કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે
આંખ ઝબૂકે!
કેવી એની આંખ ઝબૂકે
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત ઝબૂકે
જડબાં ફાડે!
ડુંગર જાણે ડાચાં ફાડે!
જોગી જાણે ગુફા ઉઘાડે!
જમરાજાનું દ્વાર ઉઘાડે!
પૃથ્વીનું પાતાળ ઉઘાડે!
બરછી સરખા દાંત બતાવે
લસ! લસ! કરતાં જીભ ઝુલાવે
બહાદુર ઊઠે!
બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઊઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ઘર-ઘરમાંથી માટી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે
જાણે આભ મિનારા ઊઠે
ઊભો રે‘જે!
ત્રાડ પડી કે ઊભો રે‘જે!
ગીરના કુત્તા ઊભો રે‘જે!
કાયર દુત્તા ઊભો રે‘જે!
પેટભરા! તું ઊભો રે‘જે!
ભૂખમરા! તું ઊભો રે‘જે!
ચોર-લૂંટારા ઊભો રે‘જે!
ગા-ગોઝારા ઊભો રે‘જે!
ચારણ કન્યા
ચૌદ વરસની ચારણ-કન્યા
ચૂંદડિયાળી ચારણ-કન્યા
શ્વેતસુંવાળી ચારણ-કન્યા
બાળી ભોળી ચારણ-કન્યા
લાલ હિંગોળી ચારણ-કન્યા
ઝાડ ચડંતી ચારણ-કન્યા
પહાડ ઘૂમંતી ચારણ-કન્યા
જોબનવંતી ચારણ-કન્યા
આગ-ઝરંતી ચારણ-કન્યા
નેસ-નિવાસી ચારણ-કન્યા
જગદંબા શી ચારણ-કન્યા
ડાંગ ઉઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા
હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા
ભયથી ભાગ્યો!
સિંહણ તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મુછાળો ભાગ્યો
નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો!
ઝવેરચંદ કાળીદાસ મેઘાણીની આ ગુજરાતી કવિતા જો તમને નથી ખબર તો તમે ગુજરાતી ભાષાનું ગૌરવ લેતાં પહેલા વિચાર કરજો. હકીકતમાં આ લોકગીત સ્ત્રીના ગૌરવની સર્વોચ્ચ રચના હતા. ભારતમાં, સિંહને પ્રાચીન સમયથી શક્તિ, બહાદુરી અને ઘણા પુરૂષવાચી ગુણોનું પ્રતીક માનવામાં આવે છે. આ સિંહ ગુજરાતના ગીરના જંગલમાં જોવા મળે છે. ગુજરાત અને ખાસ કરીને ગીરમાં, સિંહો લોક સંસ્કૃતિમાં ઊંડાણપૂર્વક જોડાયેલા છે. સિંહ જોવા માટે ગીર દેશભરમાં લોકપ્રિય છે. ગીરના જંગલમાં, ઘણા ચારણ પરિવારો નાના-નાના ગામડાઓમાં રહે છે જેના ઘરોને ‘નેસ’ તરીકે ઓળખવામાં આવે છે. ચારણો રોજબરોજના જીવનમાં સિંહોનો સામનો એ રીતે કરતા હોય છે જાણે ઘેટાં-બકરાં. તેઓ તેમનાથી ડરતા નથી અને તેમને સરળતાથી ભગાડી શકે છે એવા કિસ્સાઓ આજેય થોડાથોડા સમયે ઝળકે છે અને ચારણકન્યા એટલે કે ચારણોની દિકરીઓ માટે પણ આ વાત એટલી જ લાગૂ પડે છે. આ કવિતા એવું જ કહે છે અને એ એટલા માટે પ્રસ્તુત છે કે આજે વિશ્વ નારી દિવસ છે. ગુજરાતી નારી આજે તો ભાગ્યે કોઈ ક્ષેત્ર એવું છે જ્યાં તેની છાપ નથી છોડી રહી પરંતુ ચારણકન્યાએ નારીનું એવું સ્વરૂપ છે જે સંઘર્ષ અને જીવનના તમામ પાસાઓમાં એકસરખી હિમ્મતથી આગળ વધે છે.
આ કવિતા એક ભયંકર સિંહ વિશે છે જે ગીરના ગામ પાસે ત્રાડ નાખે ત્યારે ગામના લોકો ડાંગ, ભાલો લઈ ગામમાંથી બહાર નીકળ્યા.જ્યારે પુરૂષો હજુ પણ તેમના ઘરની બહાર નીકળી રહ્યા છે, ત્યાં તો એક 14 વર્ષની છોકરી ચારણકન્યા તેના હાથમાં લાઠી લે છે અને ગર્જના કરે છે અને સિંહને ત્યાં જ ઉભા રહેવા અને તેની સાથે લડવા માટે પડકારે છે. સિંહ ગાયનો શિકાર કરવા માંગતો હતો, જે હિંદુ ધર્મમાં પાપ છે, તેથી તે તેને કાયર અને ચોર કહે છે.
આ ચારણકન્યાની સુંદરતા પણ કવિતામાં વર્ણવવામાં આવી છે. તે સુંદર હતી એ જ સમયે એટલી બહાદુર. ચારણ કન્યાનું આ વર્ણન જોગણી માતા જેવી હિંદુ દેવીઓના વર્ણન પર આધારિત છે. ગ્રીક એમેઝોનિયન યોદ્ધા સ્ત્રીઓ સાથે પણ ચારણ કન્યા સરખાવી શકાય.જૂના જમાનામાં અને ગામડાંમાં સ્ત્રીઓ મજબૂત હતી અને કોઈ પણ પુરુષ અથવા તો સિંહ એટલે કે ખરાબમાં ખરાબ સંજોગો સામે લડી શકતી હતી. એ લડે તો આજેપણ છે પરંતુ તેના શત્રુઓ કમનસીબે બદલાઈ ચૂક્યા છે, તેનું લડવાનું સ્વરૂપ પણ બદલાઈ ગયું છે. ગુજરાતી નારીની વાત આજે વિશ્વ નારી દિવસ પર વિશેષ લાગી હોય તો શેર કરશો.