વિકાસપથ પર ગૂમાવવું અને મેળવવું એ તો નિયમ છે પરંતુ કેટલીક વસ્તુઓ જે તમે રોજ જોવા ટેવાયેલા હોવ એ અચાનક નેસ્તનાબૂદ થઈ જાય એ તો એ તેનું દુઃખ થવું સહજ છે. એ જડ હોય કે ચેતનશીલ વસ્તુ. આજે સવારે સુરતે કંઈક એવું જ ગુમાવ્યું જે સુરતના પ્રવેશ માટે લેન્ડમાર્ક સમું હતું. જોકે, લોકો એ ગુમાવવા કરતાં તેને ગુમાવવાની થ્રિલીંગ પ્રોસેસથી વધારે એક્સાઇટેડ હતા. લાખોની સખ્યામાં લોકો એ પળોને પોતાના મોબાઈલમાં કેદ કરવાનું ન ચૂક્યા.
સુરતના ઉત્રાણ સ્થિત ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનના ગેસ આધારિત પાવર સ્ટેશનના 85 મીટર ઊંચા કૂલિંગ ટાવરને મંગળાવરે કંટ્રોલ બ્લાસ્ટથી ધ્વસ્ત કરી દેવાયો છે. તંત્રની ખાસ્સા દિવસોની પૂર્વતૈયારીઓ બાદ સવારે 11 વાગ્યે બ્લાસ્ટ કરવામાં આવ્યો અને માત્ર 7 સેકન્ડમાં જ 85 મીટર ઊંચા ટાવર જમીનદોસ્ત થઈ ગયો.
ઉત્રાણ પાવર સ્ટેશનમાં 30 વર્ષ જૂના એવા કૂલિંગ ટાવરને બરાબર 11:00 વાગ્યે બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. તંત્રની લાંબા સમયની ચોતરફી તૈયારી બાદ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી આ 85 મીટર ઊંચા ટાવરને બ્લાસ્ટ કરાયો છે. સેકન્ડોની જ ગણતરીમાં એકસાથે 72 પિલરમાં બ્લાસ્ટ કરાયા ત્યારે આ ઘટનાની સાક્ષી બનવાં તેને પોતાના મોબાઈલમાં કેદ કરવા મોટી સંખ્યામાં લોકો સુરક્ષિત જગ્યાઓ પર ગોઠવાઈ ગયા હતા. પાવર હાઉસથી થોડે દૂર એક મધ્યમ ઉંચાઈના ફ્લેટમાં રહેતાં બાબુભાઈને ત્યાંથી સારી રીતે જોઈ શકાતું હોવાથી સૌરાષ્ટ્રથી મહેમાન આવ્યા હતા. એવી જ રીતે ઘણાં પરિવારો જેઓ આ નજારો પોતાની છત પરથી માણી શકતા હતા તેમને ત્યાં મહેમાનો પહોંચ્યા હતા.
વીજ કંપનીના એક નિવૃત્ત અધિકારી પટેલે જાણકારી આપતાં કહ્યું કે, ઉત્રાણમાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન દ્વારા 1993માં 85 મીટર ઊંચું કૂલિંગ ટાવર બનાવવામાં આવ્યું હતું. 30 વર્ષ બાદ આ ટાવર 2017માં ઇકોટેક્નોમિકને કારણે ભંગાર જાહેર કરવામાં આવ્યું હતું. ટાવરને સ્ક્રેપ જાહેર કરાયા બાદ તેને તોડી પાડવાનું નક્કી કરવામાં આવ્યું.
તમને જણાવી દઈએ કે, ઉત્રાણ પાવર હાઉસની આસપાસ રહેણાંક વિસ્તાર છે. 250 કિલો ડાયનામાઈટથી 85 મીટર ઊંચા અને 70 મીટર પહોળા ટાવરને બ્લાસ્ટ કરવા તંત્ર 10 દિવસથી તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખી તૈયારી કરી રહ્યું હતું. કામગીરી કરીને તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ હતી.
તમને કામગીરી કેવી રીતે થઈ એ અંગે જાણકારી આપીએ તો, સૌપ્રથમ તો એક્સપ્લોઝિવને ડ્રિલ કરીને કુલિંગ ટાવરના પાયાના ભાગમાં ભરવામાં આવ્યો હતો. એક્સપ્લોઝિવ ભર્યા બાદ પ્રથમ એના ઉપર મેટલની જાળી લગાડવામાં આવી હતી. ત્યારબાદ કપડાંથી એને ઢાંકીને થોડે દૂર પતરા લગાવીને બેરીકેટિંગ કરવામાં આવ્યું. કુલિંગ ટાવરને તોડવાના સમયે 300 મીટરના વિસ્તારમાં અવરજવર માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડ સહિતનું તંત્ર અહીં સમય કરતાં પૂર્વેથી ખડેપગે તૈયાર રાખવામાં આવ્યું હતું.