કેન્દ્ર સરકારે પંદર વર્ષ જુના વાહનોનાં રજીસ્ટે્રશન રીન્યુઅલ કરાવવાની ફીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી ગુજરાતનાં લાખો વાહન માલીકોને અસર પહોંચશે. પેટ્રોલ-ડીઝલના અસહ્ય ભાવવધારાનો લાંબા સમયથી માર ઝીલતાં વાહન માલીકોએ જુના વાહનના રજીસ્ટ્રેશન રીન્યુ કરાવતા વર્તમાન દરથી 8 ગણી વધુ ફી ચુકવવી પડશે.
જુના વાહનોનાં રજીસ્ટ્રેશન રીન્યુ કરાવવા માટેના નવા દર 4થી એપ્રિલથી લાગુ થઈ ચૂક્યા છે. 15 વર્ષ જુની કારનું રજીસ્ટ્રેશન ફરીથી કરાવવા હવે રૂા.5000 ચુકવવા પડશે જે ફી અત્યાર સુધી રૂા.600 હતી. મોટર સાયકલના રજીસ્ટ્રેશન રીન્યુઅલ માટે 1000 આપવાના થશે તે અત્યારે રૂા.400 છે. ઈમ્પોર્ટેડ કાર માટે આ ફી 15000 થી વધીને 40,000 તથા ઈમ્પોર્ટેડ મોટર સાયકલ માટે રૂા.10,000 થઈ છે. રજીસ્ટ્રેશન રીન્યુઅલ ફીમાં ધરખમ વધારાથી વાહન માલીકોમાં દેકારો છે. ખાસ કરીને જુન વાહનો વાપરવાના શોખીન લોકો માટે તેને ‘ક્રુર કદમ’ગણાવી રહ્યા છે.
રાજયના પરિવહન વિભાગનાં સુત્રો કબુલ કરે છે કે આ નવા કાયદાથી લોકોમાં નારાજગી પ્રવર્તી શકે છે. રાજય વિધાનસભામાં સરકારે આપેલી માહીતી પ્રમાણે ગુજરાતમાં 41,20,451 જુના વાહનો છે. તેમાં 26,45,959 મોટર સાયકલ, 6,34,049 કાર, 1,11,552 ટ્રેકટર, 1,24,153 થ્રી-વ્હીલર તથા 1,76,498 વ્યાપારી વાહનો છે.