હવામાન વિભાગે ગુજરાતભર માટે જે આગાહી રજૂ કરી છે એ સમગ્ર માર્ચ મહિનામાં ખેડુતો માટે ચિંતાજનક છે. આગામી પાંચ દિવસ માટે ગુજરાતભરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. સોમવાર સાંજથી આગાહી મુજબ જ પલટાયેલા હવામાનથી જલદી રાહત મળે એવા કોઈ એંધાણ વર્તાઈ નથી રહ્યા. હવામાન વિભાગનું કહેવું છે કે, ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદી વાતાવરણથી હજી છૂટકારો મળે એમ નથી. આગાહીને પગલે ખેડુતો સૌથી વધારે ચિંતામાં મૂકાયા છે. રહી શકે છે. 16 અને 17 માર્ચે વરસાદની એક્ટિવિટી વધારે રહેશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ જોવા મળી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 16 અને 17 માર્ચે વરસાદ રહેશે. પૂર્વ દિશામાં ટ્રફ સર્જાયો હોવાના કારણે કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને પાક થઈ ગયો હોય તો લઈ લેવા અપીલ કરવામાં આવી છે. હાલ સવારે ઠંડક બાદ બપોરે ગરમી જોવા મળે છે પરંતુ 2 દિવસ બાદ વરસાદને પગલે તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે.
હવામાન વિભાગએ ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દાહોદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં પણ છૂટાછવાયા ઝાપટાંથી લઈને મધ્યમ વરસાદની આગાહી છે. ગુજરાતના વાતાવરણમાં 10 દિવસમાં જ ફરી પલટો આવી શકે છે. માવઠાના વધુ એક રાઉન્ડથી કેરી, ઘઉં સહિતના પાકને વધુ નુકસાન જોતાં ખેડૂતો ચિંતિત થયા છે. લોકો માટે પણ એ ચિંતાનો વિષય એમ છે કે આગામી પાંચ દિવસ દરમિયાન ડબલ સીઝન પણ અનુભવાય તેવી સંભાવના હોવાથી રોગચાળો માથું ઉચકી શકે છે.
હવામાન વિભાગનું કહેવું છે કે, ઉત્તર પૂર્વીય પવનોના કારણે વાતાવરણમાં અચાનક ફેરપલટો આવશે. ગુજરાતમાં 12 મી માર્ચ પછી હવામાન પલટાતાં 15 16 અને 17 માં વરસાદની પડી છે, ત્યારબાદ 24 અને 25 માર્ચમાં પણ દરિયા કિનારે ભારે પવન ફુંકાતા હવામાનમાં પલટો આવી શકે છે.
માર્ચમાં ગરમી તો પડશે જ સાથોસાથ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને કરા પડવાની પણ શક્યતા છે. એપ્રિલ અને મેં મહિનામાં પણ કમોસમી વરસાદની શક્યતા નકારી શકાય તેમ નથી એ જોતાં કૃષિ તજજ્ઞોનું માનવું છે કે, ફક્ત કેરીના પાકને જ નહીં સાથોસાથ મસાલા, ઘઉં, રાયડો, ઇસબગુલ અને, શાકભાજીને પણ વ્યાપક નુક્શાન થઈ શકે છે તો ગરમી વધુ પડતા એરંડાના પાકમાં પણ ફૂલકિયો આવતા દાણા ઓછા પેદા થવાની શક્યતા જણાવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પણ આવું જ કંઈક જણાવી રહ્યા છે તેમના અભ્યાસ અનુસાર, રાજ્યભરમાં જ 17 માર્ચ સુધી કમોસમી વરસાદ નોંધાઈ શકે છે. 25થી 28 માર્ચે ફરી કમોસમી વરસાદની સંભાવનાઓ છે. એપ્રિલ મહિનામાં પણ કમોસમી વરસાદની શક્યતાઓ છે. આ 3થી 8 એપ્રિલે વાતાવરણમાં પલટો આવશે. 14મી એપ્રિલથી ફરી અષાઢી માસ જેમ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડી શકે છે તો કેટલાક વિસ્તારોમાં આ દરમિયાન કરા પણ પડી શકે છે.
આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક જિલ્લામાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા સાથે વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન માવઠાની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે.
15 માર્ચે નર્મદા, તાપી, અમરેલી, રાજકોટ, કચ્છ તો 16 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, કચ્છ અને 17 માર્ચ: બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, કચ્છમાં સારો એવો વરસાદ પડે તેવી શક્યતા છે.