હાલ સુરત સહિત ગુજરાત જ નહીં દેશભરના મહાનગરોમાં રખડતાં શ્વાન બાબતે લોકો બે પક્ષે ઊભા છે. ક્યાંક શ્વાનના કરડવાના વધતાં બનાવોની ચિંતા છે તો ક્યાંક શ્વાન પ્રત્યેની જીવદયા તેની મક્કમતા પર લડાયક મિજાજમાં છે. ત્યારે એ જાણવું રસપ્રદ છે કે, દુનિયાના કોઇ શહેરમાં જો શ્વાન અર્થાત કુતરાનું સ્મારક જોવું હોય તો UK જવું પડે. બ્રિટનના એડિનબર્ગ શહેરમાં જાવ, તો ત્યાંના ગ્રેફાયર સ્ક્વેરમાં એક વફાદાર શ્વાનની પ્રતિમા જોવા મળશે. એ વફાદાર શ્વાનની કથા જાણવા જેવી છે. તેનું નામ “ગ્રેફ્રીઅર્સ બોબી” હતું. તેનો જન્મ 4 મે 1855 ના રોજ થયેલો અને 14 જાન્યુઆરી 1872 ના રોજ 17 વર્ષની ઉમરે મૃત્યુ પામ્યો. તે એક સ્કાય ટેરિયર અથવા ડેન્ડી ડિનમોન્ટ ટેરિયર જાતિનું શ્વાન હતો. ડેન્ડી ડિનમોન્ટ ટેરિયર એ ટેરિયર પરિવારમાં સ્કોટિશ કૂતરાની નાની જાતિ છે. આ જાતિનું શરીર ખૂબ લાંબુ, ટૂંકા પગ અને માથાના ટોચ પર વાળની વિશિષ્ટ ગાંઠ હોય છે. તેઓ મૈત્રીપૂર્ણ રીતે વર્તે છે; કે બહુ વફાદાર હોય છે. મોટા બાળકો કે ઉમરલાયક વ્યક્તિઓ સાથે તેનો વ્યવહાર અને ક્રિયાપ્રતિક્રિયા બહુ મિલનસાર હોય છે.
તે એડિનબર્ગમાં 14 જાન્યુઆરી 1872ના રોજ મૃત્યુ પામ્યો ત્યાં સુધી તેના માલિકની કબરની રક્ષા કરવામાં 14 વર્ષ ગાળવા માટે બહુ જાણીતો બન્યો હતો. તેની વાર્તા સ્કોટલેન્ડમાં ઘણા પુસ્તકો અને ફિલ્મો દ્વારા જાણીતી બની છે. તેનું પ્રખ્યાત સ્મારક; પ્રતિમા અને તે જ્યાં આવેલું છે તેની નજીકની કબરો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શ્વાન બોબી એક જ્હોન ગ્રે નામના વ્યક્તિનો હતો. જ્હોન ગ્રે નાઈટ વોચમેન તરીકે એડિનબર્ગ સિટી પોલીસ માટે કામ કરતો હતો. જ્યારે જ્હોન ગ્રેનું અવસાન થયું ત્યારે તેને ગ્રેફ્રીઅર્સ કિર્કયાર્ડમાં દફનાવવામાં આવ્યો હતો. જે કબ્રસ્તાન એડિનબર્ગના ઓલ્ડ ટાઉનમાં આવેલું છે. ગ્રે ના મૃત્યુ બાદ બોબી વધારે સ્થાનિક રીતે જાણીતો બન્યો, કારણ; તેણે બાકીનું જીવન તેના માલિકની કબર પર બેસીને વિતાવ્યું. તે પણ એક-બે નહી; 14 વર્ષ !
જ્હોન ગ્રે (મૃત્યુ : 15 ફેબ્રુઆરી 1858) સામાન્ય રીતે લોકપ્રિય સંસ્કૃતિમાં ઓલ્ડ જ્હોન તરીકે ઓળખાય છે. તે એક માળી હતો જે 1850માં તેની પત્ની જેસ અને પુત્ર જ્હોન સાથે એડિનબર્ગ આવ્યો હતો. તેણે નાઈટ વોચમેન તરીકે એડિનબર્ગ સિટી પોલીસમાં જોડાઈને વર્કહાઉસમાં કામ કરવાનું નક્કિ કર્યું. આ સમયની આસપાસ તે ગ્રેફ્રાયર્સ બોબીની સંભાળ રાખતો હતો. જ્યારે બોબી પણ જ્હોન ગ્રેની સાથે ચોવીસ કલાક પડછાયાની જેમ રહેતો. જ્યારે ગ્રે તે કામ પર જતો ત્યારે પણ તેની સાથે જ રહેતો.
જ્હોન ગ્રે ને બૉબી એક રખડતાં કુતરા તરીકે મળ્યો હતો. બોબી કચરાપેટી ફંફોળીને જે કંઇ ખાવાનું મળે તે ખાઇને માંડ જીવી રહ્યો હતો. એ લત્તામાં જ્હોન એક સજ્જન તરીકે રહેતો હતો. બૉબીની હાલત જોઇને જ્હોનને દયા આવી. એણે નજીકની હોટેલમાંથી થોડોક ખોરાક ખરીદીને બૉબીને ખવડાવ્યો. આ ઉપકાર પેલો શ્વાન કદી પણ ન ભૂલ્યો. પછી તો બન્ને ખાસ મિત્ર બની ગયાં. શિયાળાની લાંબી રાતો હોય કે બરફ-વરસાદ હોય કે ગરમી હોય, જ્હોન અને બોબી સાથે મળીને એડિનબર્ગની જૂની કોબલ્ડ શેરીઓમાંથી પસાર થતા એક પરિચિત દ્રશ્ય બની ગયા. તેઓ વિશ્વાસુ મિત્રો બની ગયા હતા. જાણે બંને એકબીજા સાથે રહેવા માટે જન્માંતર ના સાથી હતાં.
આખરે જ્હોન ગ્રે 15મી ફેબ્રુઆરી 1858ના રોજ ક્ષયરોગને કારણે મૃત્યુ પામ્યો અને તેને ગ્રેફ્રીઅર્સ કિર્કયાર્ડમાં દફનાવવામાં આવ્યો. એની સ્મશાનયાત્રા કબ્રસ્તાનમાં પહોંચી ત્યારે બૉબી સૌની પાછળ પાછળ ગયો. શ્વાન બોબી ટૂંક સમયમાં સ્થાનિક રહેવાસીઓના હૃદયને પણ સ્પર્શી ગયો હતો. છતાં ગ્રે ને જ્યારે દફનાવવામાં આવ્યો ત્યારે એક શબની સાચવણી ના ભાગરૂપે ગ્રેફ્રિયર્સના માળી અને રખેવાળે બોબીને કિર્કયાર્ડમાંથી બહાર કાઢવા માટે ઘણા પ્રયાસ કર્યો. પણ તે ત્યાંથી હટ્યો નહી. અંતે બધાએ હાર માની લીધી અને જ્હોન ગ્રેની કબરની બાજુમાં બે ટેબલસ્ટોન નીચે તોડફોડ કરીને બોબી માટે આશ્રયસ્થાન બનાવી આપ્યું.
બોબી 14 વર્ષ સુધી તેના દોસ્ત જ્હોન ગ્રેની કબર પાસે બેઠો હોવાનું નોધાયું છે. 1872માં તેનું અવસાન થયું અને એડિનબર્ગ વેટરનરી કૉલેજના પ્રોફેસર થોમસ વૉલી દ્વારા કરવામાં આવેલી નેક્રોપ્સીથી તારણ મળ્યું કે તે જડબાના કેન્સરથી મૃત્યુ પામ્યો હતો. તેને ગ્રેફ્રાયર્સ કિર્કયાર્ડના ગેટની અંદર જ દફનાવવામાં આવ્યો હતો, જે જોન ગ્રેની કબરથી દૂર નથી. બોબીની ખ્યાતિ સમગ્ર એડિનબર્ગમાં ફેલાઈ ગઈ. એવું પણ નોંધવામાં આવ્યું છે કે દરરોજ કિર્કયાર્ડમાં આવેલી માલિકની કબર પાસે બેસી રહેતો. લગભગ બપોરે એક વાગ્યાના ટકોરે અને રાત્રે શ્વાન બોબી તેના ભોજન માટે કબરમાંથી બહાર નીકળતો. પછી બોબી એ જ સ્થાનિક કોફી હાઉસમાં જતો. જ્યાં તે તેના હાલના મૃત માસ્ટર કે મિત્ર જ્હોન ગ્રે સાથે વારંવાર આવતો હતો. કેબિન માલિક વિલિયમ ડાઉને દ્વારા ભોજન આપવામાં આવતું હતું. ત્યાંથી તે પળનો પણ વિલંબ કર્યા વગર કબ્રસ્તાન પરત ફરતો; તેના દોસ્ત જ્હોન ગ્રેની કબર પાસે … આ સિલસિલો લગાતાર 14 વર્ષ ચાલ્યો.
આ 14 વર્ષ દરમ્યાન 1867 માં એક નવો પેટા-લો પસાર કરવામાં આવ્યો હતો. જેમાં શહેરમાં તમામ કૂતરાઓનું લાઇસન્સ હોવું જરૂરી હતું. નહિતર તેમનો નાશ કરવામાં આવશે. સર વિલિયમ ચેમ્બર્સ (એડિનબર્ગના લોર્ડ પ્રોવોસ્ટ) એ બોબીનું લાયસન્સ ચૂકવવાનું નક્કી કર્યું અને તેને પિત્તળના શિલાલેખ સાથેનો કોલર રજૂ કર્યો “લોર્ડ પ્રોવોસ્ટ 1867 લાયસન્સથી – ગ્રેફ્રીઅર્સ બોબી”. જે બોબીને બાંધવામાં આવ્યો હતો. સર વિલિયમ ચેમ્બર્સ, જેઓ સ્કોટિશ સોસાયટી ફોર પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સના ડિરેક્ટર પણ હતા, તેમણે બોબીના લાયસન્સ માટે ચૂકવણી કરી અને કૂતરાને કોલર આપ્યો. આ કોલર આજે પણ એડિનબર્ગના મ્યુઝિયમમાં જોઈ શકાય છે.
બાકીના વર્ષો એડિનબર્ગના દયાળુ લોકોએ બોબીની સારી સંભાળ લીધી, પરંતુ તેમ છતાં તે તેના માસ્ટરને વફાદાર રહ્યો. ચૌદ વર્ષ સુધી મૃત માણસનો વિશ્વાસુ કૂતરો 1872 માં તેના પોતાના મૃત્યુ સુધી કબરની સતત દેખરેખ રાખતો હતો. RSPCA ની લેડીઝ કમિટીના પ્રમુખ બેરોનેસ એન્જેલીયા જ્યોર્જિના બર્ડેટ-કાઉટ્સ તેની વાર્તાથી એટલા ઊંડે પ્રભાવિત થયા કે તેમણે સિટી કાઉન્સિલ પાસે બોબીની પ્રતિમા સાથે ગ્રેનાઈટ ફુવારો ઊભો કરવાની પરવાનગી માંગી. જે મળી ગઈ.
વિલિયમ બ્રોડી નામના શિલ્પકારે તેની પ્રતિમાનું જીવંત શિલ્પ બનાવ્યું હતું. તેનું અનાવરણ નવેમ્બર 1873માં ગ્રેફ્રીઅર્સ કિર્કયાર્ડની સામે વિધિ વિના કરવામાં આવ્યું હતું. તે સાથે જ સ્કોટલેન્ડની રાજધાની શહેરમાં સૌથી પ્રખ્યાત અને વિશ્વાસુ કૂતરાની હંમેશ માટે એક યાદગીરી બની ગઈ.
બોબીની કબર પર લખ્યું છે કે “ગ્રેફ્રીઅર્સ બોબી – 14મી જાન્યુઆરી 1872ના રોજ મૃત્યુ પામ્યો – 16 વર્ષની ઉંમરે – તેની વફાદારી અને નિષ્ઠા આપણા બધા માટે એક બોધપાઠ બની રહે”.
પછી તો દુનિયાભરના અખબારો અને મેગેઝીને આ શ્વાનની બહુ જ ઉમદા નોંધો પ્રસિદ્ધ કરી. 11 ઓગસ્ટ 1934, ‘ધ સ્કોટ્સમેન’ નામના અખબારમાં, “ગ્રેફ્રીઅર્સ બોબી એ ડોગ્સ ડિવોશન” હેડીંગ આપી લેખ છપાયો. કાઉન્સિલર વિલ્સન મેકલારેન વાર્તાઓની સચોટતા વિશેના સમકાલીન પ્રશ્નોના જવાબો પોતાની વાતચીતનું વર્ણન કરીને 1871માં “મિસ્ટર ટ્રેઇલ” માં આપે છે. “ટ્રેલ્સ કોફી હાઉસ” નો માલિક કૂતરાના સંબંધમાં તે પોતે જે તે સમયે ખવડાવતો હતો, વગેરે વાતો અંગેના પ્રશ્નોના 1889માં પોતાના પ્રતિભાવોનું વર્ણન કર્યું છે. આમ એક વફાદાર શ્વાન અમર બની ગયો.