પોરબંદરમાં 2 માસની બાળકીને ભુવાએ સારવાર કરવામાં ડામ આપ્યો હોવાની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ છે. બખરલા ગામે 2 માસની બાળકીની તબિયત સારી ન રહેતી હોવાથી બાળકીને તેના માતાપિતા ભુવા પાસે લઈ ગયા હતા. ભૂવાએ શરીર પર ડામ આપતાં બાળકીને હોસ્પિટલમાં લઈ જવાની નોબત આવી હતી. સદનસીબે તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં હજુ પણ અંધશ્રદ્ધાભર્યા રસ્તાઓ અપનાવી રહ્યા છે. પોરબંદર જિલ્લાના બખરલા ગામે વાડી વિસ્તારમાં રહેતા એક પરિવારની 2 માસની દીકરીને બે દિવસથી શરદી, કફ, શ્વાસની તકલીફ થઈ હતી બે દિવસ સુધી ઘરગથ્થું ઇલાજો કરવા છતાંય તબીયતમાં કોઈ સુધારો ન થતાં આ બાળકીને ડુંગરા વિસ્તારમાં એક ભુવા પાસે લઈ જવાઇ હતી.
પરિવારને તબિયત સારી ન થતાં કોઈની નજર લાગી ગઈ હોવાનો વહેમ હતો. ભુવાએ ઇલાજમાં બાળકીની છાતી વચ્ચે ડામ દીધો હતો. જ્યારબાદ આ બાળકીની તબિયત લથડતાં નજીકના આદિત્યાણા ગામે ડોકટર પાસે લઈ જવાઇ હતી. બાળકીની સ્થિતિ ગંભીર જણાતા ડોક્ટરે તાત્કાલિક 108 મારફતે બાળકીને પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાની વ્યવસ્થા કરી હતી. આ બાળકી હાલ ઓક્સિજન પર આઇસીયુમાં દાખલ છે.
હોસ્પિટલમાં બાળકીની સારવાર કરનાર ડો.જય બદીયાણીએ જણાવ્યું હતું કે, બાળકની તબિયત હાલ તો સુધારા પર છે. ઓક્સિજન લેવલ ઘટીને 60 થી 65 હતું. આઇસીયુમાં દાખલ કરી સમયસર સારવાર મળતાં તેનો જીવ બચી ગયો છે.બનાવ અંગે જાણવાજોગ નોંધ લેતાં પોલીસ કાર્યવાહી શરૂ થઈ છે ત્યારબાદ ભૂવા સામે ગુનો દાખલ કરવામાં આવી શકે છે.