પાસપોર્ટની વધી રહેલી માંગના કારણે સત્તાવાળાઓએ તત્કાલ પાસપોર્ટનો ક્વોટા 20 ટકાથી વધારીને 30 ટકા કરવાનો નિર્ણય લીધો છે. અર્જન્ટ પાસપોર્ટ અરજીઓનું રિજિયોનલ પાસપોર્ટ કચેરી પરનું દબાણ હળવું કરવાના આશયથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા પાસપોર્ટ અને રિન્યુઅલ અરજીઓમાં સતત વધારો થઇ રહ્યો છે.
હવે રિજિયોનલ પાસપોર્ટ ઓફિસ અરજન્ટ અરજીઓના ઝડપી નિકાલને પ્રાથમિક્તા આપી રહી છે. આ જ કારણે 20મી મેથી રાજ્યભરની 19 પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો (પીઓપીએસકે) પરથી દર શનિવારે પાસપોર્ટની અરજીઓ સ્વીકારવાનું શરૂ કરવામાં આવશે. જેનાથી પ્રક્રિયા વધુ ઝડપી બનશે.
તમને જણાવી દઈએ કે, અર્જન્ટ પાસપોર્ટ માટે વધારાના રૂ, 2000 ફી પેટે ચૂકવવાના હોય છે એમ છતાંય અર્જન્ટ એપોઇન્ટમેન્ટ માટે લાંબો વેઇટીંગ પિરિયડ ચાલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યભરમાં 19 પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો પરથી સોમવારથી શુક્રવાર દરમિયાન અરજીઓ સ્વીકારવામાં આવે છે.
અરજીઓના ભારણને ધ્યાનમાં રાખી તમામ 19 પીઓપીએસકે હવે 20 મે થી શનિવારે પણ કાર્યરત રહેશે. અર્જન્ટ પાસપોર્ટ માટેના રેસિયોને વધારવાના નિર્ણયથી અર્જન્ટ પાસપોર્ટ ઇસ્યુ કરવાની સંખ્યા વધશે એ સ્વભાવિક છે.