ગુજરાતમાં ચાથી વધારે કોઈ પીણાની ચાહ હોતી નથી. જમાના સાથે ચાના રસિકો માટે અવનવી ફ્લેવર્સનો ઉમેરો થઈ રહ્યો છે અને અવનવી બ્રાન્ડ ઉમેરાઈ રહી છે. ચા એ કીટલીથી બહાર નીકળી એક રોયલ પ્લેસ પર પહોંચી ગઈ છે. યંગસ્ટર્સ હવે ટીને બ્રાન્ડ બનાવી અવનવા પ્રયોગો સાથે પોતાની કમાણીનો રસ્તો બનાવવામાં સહેજે છોછ નથી અનુભવી રહ્યા. તમે એમબીએ ચાયવાલાથી લઈને એવા અનેક નામ શહેરના પોઝ વિસ્તારોમાં સાંભળ્યા હશે પરંતુ અમે તમને એક ભયાનક ચા સાથે રૂબરું કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જી હાં ભયાનક ચા. અજબ લાગે છે ને ? નામ જ નહીં અહી જે છે એ બધું જ અજીબોગરીબ છે. હકીકતમાં અમદાવાદના હાંસોલ વિસ્તારમાં એક યુવકે સ્મશાનગૃહમાં ટી સ્ટોલ શરુ કર્યો છે. આ યુવક અહીં ચુડેલ ચા, તાંત્રિક ચા, ભૂત ચા, મડદા ચા વગેરે ભયાનક નામધારી ચા પીરસે છે અને લોકો એ પીએ પણ છે.
અમદાવાદના હાંસોલ વિસ્તારના ભદ્રેશ્વર સ્મશાનગૃહમાં એક ટી સ્ટોલ લોકોના આકર્ષણનું કેન્દ્ર છે. એ છે ભયાનક ટી સ્ટોલ. અનિલ બજરંગી છારા ઉર્ફે ડોન બજરંગી છારા નામનો 42 વર્ષીય યુવક આ ટી સ્ટોલ ચલાવે છે. અનિલ છારાના ટી સ્ટોલનું નામ છે ભયાનક ટી સ્ટોલ. અનિલ છારા અહીં ચુડેલ ચા, તાંત્રિક ચા, ડાકણ ચા, ભૂત ચા, મડદા ચા, વિરાના ચા, સ્પેશિયલ પ્રેતાત્મા ચા, સ્પેશિયલ કબ્રસ્તાન ચા, સ્પેશિયલ અસ્થિ ચા જેવી વિવિધ ફલેવરની ચા વેચે છે. ચા સાથોસાથ આ સ્ટોલ પર ભૂત કોફી અને કંકાલ બિસ્કીટ પણ મળે છે. યુવકે તેના ટી સ્ટોલની ટેગલાઈન પણ ભયાનક રાખી છે જે વાંચતાની સાથે કોઈ અજાણ્યા એટલે કે પહેલી વાર ખબર ન હોય અને પહોંચી ગયા હોય એવા લોકોના તો હાંજા ગગડી જાય. આ ટેગ લાઈન છે- સ્પેશિયલ ચા માટે દો ગજ જમીન કે નીચે જાના પડેગા
ટી-સ્ટોલ ચલાવતાં યુવકના પોતાના નામ પાછળ પણ અનોખી જાણવા જેવી કહાની છૂપાયેલી છે. અનિલ છારા છે પણ તે ઉર્ફે ડોન બજરંગી તરીકે પ્રખ્યાત છે. અનિલના પિતા બાબુભાઈ અમિતાભ બચ્ચના જબરા ચાહક છે. એક ફિલ્મ અત્યારસુધી બીગ-બીની એવી નહીં હશે તેમણે છોડી હશે. અમિતાભ બચ્ચનની ફિલ્મ ડોન એ તેમની સૌથી ફેવરિટ. અનિલના પિતા બાબુભાઈ તો ત્યાં સુધી ડોન ફિલ્મથી પ્રેરાયા હતા કે તેમણે પુત્ર અનિલનું નામ ડોન રાખ્યું હતું.આ ડોન જ્યારે સ્કૂલમાં પ્રથમ પગ મુકવા ગયો તો સ્કૂલના આચાર્યએ નામ સામે વાંધો ઉઠાવ્યો. પિતાએ અનિલના ભવિષ્ય માટે સરકારી રેકોર્ડનું નામ બદલી અનિલ રાખ્યું.
અનિલ છારાના જીવનની કરુણતા એ કે જન્મથી તે વિકલાંગ છે. માંડ એસએસસી પાસ કરવા સાથે તેનામાં જોકે, જીવનમાં કંઈક અલગ કરવું એ ઝનુન બીજાઓ કરતાં વધારે બળવત્તર હતું. તેણે સ્મશાનગૃહમાં ટી સ્ટોલ શરુ કરવાનું નક્કી કર્યું. અનિલ છારાએ 2018માં સ્મશાનગૃહમાં આ ટી સ્ટોલ શરુ કર્યો અને આજે એ અમદાવાદમાં લોકપ્રિય છે. હતો. અનિલ બજરંગી ડોનના સપના છે કે એકદિવસ એ દેશ-વિદેશમાં ભયાનક ટી સ્ટોલની ફ્રેન્ચાઈઝી આપશે. અનિલ ડોનનું કહેવું છે કે, લંડનમાં છારા સમુદાયના કેટલાંક લોકોમાં પણ આ પ્રયોગ ધીમેધીમે હવે લોકપ્રિય થઈ રહ્યો છે.