તબીબી બેદરકારી સામે માર્ગદર્શિકા ઘણાં લાંબા સમયથી વિચારણા હેઠળ છે. હવે ટૂંક સમયમાં જ નેશનલ મેડિકલ કમિશન (NMC) આ અંગે નિર્ણય લઈ શકે છે અને તેને સાર્વજનિક કરી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, હાલમાં તબીબી બેદરકારીના કેસ અંગે કોઈ માર્ગદર્શિકા નથી, પરંતુ તે લાંબા સમયથી વિચારણા હેઠળ છે.
NMCના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના વિસર્જન પછી કમિશનની રચના થઈ ત્યારથી અત્યાર સુધી તેઓ દેશમાં તબીબી શિક્ષણ માટે વધુ સારું વાતાવરણ બનાવવા સંબંધિત નીતિઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે. જો કે આ મામલે પણ લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે.
ટૂંક સમયમાં માર્ગદર્શિકાના ડ્રાફ્ટ ફોર્મેટને પણ જાહેર કરવામાં આવશે. હોસ્પિટલોમાં તબીબી બેદરકારીના કારણે બોલાચાલી, હંગામો અને મારપીટના બનાવો અવારનવાર સામે આવે છે. આ બાબતોની પોલીસ ફરિયાદોમાં પણ છેલ્લા કેટલાક સમયથી ઉછાળો આવ્યો છે અને ગ્રાહક અદાલતોમાં પણ અનેક કેસો ઝળકી રહ્યા છે.