ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ભવ્ય જીત અપાવનાર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હવે રાજસ્થાનમાં તેમની ક્ષમતાનું પ્રદર્શન કરશે. આ વર્ષનાં અંતમાં રાજસ્થાન.વિધાનસભા ચૂંટણી પૂર્વે તેમને પ્રભારીની જવાબદારી સોંપાય તેવી શક્યતા હાલ ભાજપમાં ચર્ચાનો વિષય બની છે. વર્ષના અંતે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણીઓ યોજાવાની છે.
રાજસ્થાન ભાજપ સંગઠનની દ્રષ્ટિએ મોડેલ બની શકયુ નથી.અહીંની પરંપરા રહી છે કે, મતદારો પાતળી બહુમતીથી કોંગ્રેસ અને ભાજપને વારાફરતી સત્તા પર બેસાડે છે એટલે શાસન કોઈનું પણ હોય એ ચાલે છે અધ્ધર જીવે. આ સંજોગોમાં રાજસ્થાનમાં પણ ગુજરાત સ્ટાઈલથી ચુંટણી વ્યવસ્થા લાગુ કરવા માટે સીઆર પાટીલ મહત્વના સાબિત થઈ શકે છે એવું કેન્દ્રીય મોવડીમંડળ માની રહ્યું છે.
તા. 16 માર્ચ સીઆર પાટીલનો જન્મ દિવસ છે. જન્મદિવસ નિમિત્તે તેમણે સંસદગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી તે જ સમયે તેમને આ નવી જવાબદારી અંગે માહિતગાર કરવામાં આવ્યા હોવાની સંભાવના ભાજપના વરિષ્ઠ સૂત્રોએ વ્યક્ત કરી છે. ગુજરાત ભાજપ સાથોસાથ જ તેઓ આ જવાબદારી પણ સંભાળે તેવું પણ પક્ષ સુત્રોનું કહેવું છે. રાજસ્થાનની જવાબદારી મળે તો પાટીલની સીધી ટક્કર રાજયના મુખ્યમંત્રી અશોક ગહેલોત સામે થશે. ગુજરાતમાં પણ કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં ગહેલોતને જવાબદારી સોંપી હતી અને પાટીલે તેમને મ્હાત આપી એ અહીં ઉલ્લેખનીય છે. ભાજપ પક્ષ પ્રમુખ માટે સુરતની કર્મભૂમિ એ રીતે પણ આ ચૂંટણી જંગમાં ઉપયોગી રહેશે કે ટેક્સટાઈલ સિટી સુરતમાં રાજસ્થાનના વેપારીઓનું યોગદાન ઘણું વધારે છે.