ગુજરાતમાં હાર્ટએટેકની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ઘણાં કિસ્સાઓમાં સમયસર પ્રાથમિક બચાવથી જીવનું જોખમ ટાળી પણ શકાય છે. આ બાબતને ધ્યાનમાં રાખી કાર્ડિયો પલ્મોનરી રિસસાઈટેશન (સીપીઆર) ટ્રેનિંગ માટે જાગૃતિ વધી રહી છે. હવે પોલીસને પણ આ ટ્રેનિંગ આપવાની તૈયારી ચાલી રહી છે. જૂન મહિનામાં રાજ્યના 50 હજારથી વધુ પોલીસ કર્મચારીઓને આ ટ્રેનિંગ આપવા આયોજન થઈ રહ્યું છે. અહીં એ નોંધવું ઘટે છે કે, આ કાર્યક્રમથી ગુજરાત પોલીસનું નામ ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં અંકીત થશે. આ કાર્યક્રમ રાજ્યની 42 સરકારી હોસ્પિટલોમાં યોજાવાનો છે.
પોલીસના ઉચ્ચ સ્તરીય સુત્રોના જણાવ્યા અનુસાર, શહેર અને જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલોમાં આ તાલીમ આપવામાં આવશે. ખાસ કરીને કોરોનાકાળ બાદ ક્રિકેટ કે ડાન્સ જેવી શારીરિક શ્રમની પ્રવૃત્તિ દરમિયાન અથવા તો ઘણાં કિસ્સાઓમાં અચાનક જ હાર્ટએટેકના બનાવોમાં ચોંકાવનારો વધારો થયો છે. આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક સારવાર આપવા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
તબીબોના કહેવા મુજબસ સીપીઆર એક જીવ બચાવનારી ઈમરજન્સી પ્રોસેસ છે. પ્રદેશ ભાજપ ડૉક્ટર સેલ દ્વારા ગત બે એપ્રિલથી રાજ્યની 38 કોલેજોમાં સીપીઆર ટ્રેનિંગનું અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અત્યારસુધીમાં 1200 જેટલા તબીબોએ ભાજપના કાર્યકરોને આ તાલીમ આપી છે અને હજી વધુમાં વધુ લોકો સુધી એ પહોંચાડવાનું ચાલું છે.
હવે એક સાથે ગુજરાતભરમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પણ આ ટ્રેનિંગમાં જોડવામાં આવશે. શહેરના ખૂણે-ખૂણે રાતદિવસ ખડે પગે તૈનાત રહેતી પોલીસ માટે આ એક નવો અનુભવ રહેશે. રાજ્યના અંદાજે 50 હજાર પોલીસ કર્મી-અધિકારીઓને આ ટ્રેનિંગ અપાશે.