આજે વેલેન્ટાઈન ડે એટલે કે પ્રેમનો દિવસ. જે લોકોને પોતાના દિલની વાત કોઈના દિલ સુધી પહોંચાડવી હોય અને કેટલાક સારા શબ્દો નજીક ના હોય તો કવિતાનો સહારો લે છે. આમ તો ગુજરાતીમાં લાગણીઓ વિશે અઢળક સાહિત્યનું સર્જન થયું છે અનેક દિગ્ગજ કવિઓ, લેખકોએ શબ્દોની સજાવટથી હૈયા ભીંજવતી કૃતિઓથી યુવા દિલોને ધબકતું કર્યું છે. આજે વેલેન્ટાઈન ડે પર પ્રસ્તુત છે એવી 7 અદભૂત રચનાઓ જો તમે આ વાંચશો, તો એવું લાગશે કે તમે પ્રેમની દુનિયામાં ખોવાઇ રહ્યા છો. જાણે આ તમારા માટે, તમારા જ દિલની વાત લખાઈ હોય એવી કૃતિઓ તમારા દિવસને ચોક્કસ જ યાદગાર બનાવી શકે છે.
મને પામવા તું પરીક્ષા કરે છે,
તને પામવા તારી પૂજા કરું છું.
ઘણી વાર પ્રશ્ન જાગે છે મનમાં,
ખરેખર જીવું છું કે જીવ્યા કરું છું
હવે જીતવાની પણ મજા મરી ગઈ,
તું હારે છે તેથી હું જીત્યા કરું છું.
-કિરણસિંહ ચૌહાણ
સામે નથી હોતી છતાં દેખાઇ જાય તું,
વ્હેતી હવાને એવું શું સમજાઇ જાય તું !
તારા દીધેલાં ફૂલમાં સૂંઘ્યા કરું તને,
કેવી સિફતથી મ્હેંકમાં ફેલાય જાય તું !
એવા દિવસ જો આવશે તો રોકી રાખશું,
ગુસ્સે થવાની હોય ને શરમાઇ જાય તું !
મોજાંનાં ઘરમાં જે રીતે દરિયો ડૂબી જતો,
એમ જ નજીવી વાતમાં ભૂલાઇ જાય તું !
કોઇ બીજાના ફોનનો નંબર લગાડવા,
આવીને મારા ટેરવે જોડાઇ જાય
-અંકિત ત્રિવેદી
એક ટહુકો પામવા અહેસાનમાં,
લાગણી આપી રહી છું દાનમાં.
આભથી ધરતી લગી એ વિસ્તરી,
વાત કહેવાની હતી જે કાનમાં.
ફૂલદાનીનો હશે મોભો કબૂલ,
ફૂલની શોભાય છે વેરાનમાં.
કેટલા પયગંબરો આવી ગયા,
કાં ફરક પડતો નથી ઇન્સાનમાં ?
જ્યાં કિનારાની અભિલાષા કરી,
નાવ સપડાઇ ગઇ તોફાનમાં.
શબ્દ સાથે હાથ મેળવવો હતો,
આ ગઝલ તેના અનુસંધાનમાં.
– પૂર્ણિમા દેસાઇ
કટારી કાળજે વાગી તમારી યાદ આવે છે,
રહું છું રાતભર જાગી તમારી યાદ આવે છે.
દિવસ તસ્વીર જોઊં રાતભર આવો તમે સ્વપ્ને,
મને લગની જ છે લાગી તમારી યાદ આવે છે.
કદી શું ફૂલ ને ફોરમ જુદા હો એક બીજાથી,
ચકોરે ચાંદની માગી તમારી યાદ આવે છે.
કદી સરખામણી થાયે તમારા સમ કહી દઊછું,
કિશન રાધા જ અનુરાગી તમારી યાદ આવે છે.
ઉખાડી ચાંચ ને રાખી પીવા વરસાદને ‘ચાતક’
મિટાવો પ્યાસ છે લાગી તમારી યાદ આવે છે.
વિનોદ માણેક “ચાતક”
તું ઝરૂખેથી જરા ડોકાય છે,
વિશ્વ આખુ ચાંદનીમાં ન્હાય છે.
જે તરફ તારા મળે પગલાં મને ;
ત્યાં જવાનું મન વધારે થાય છે.
જે લખી’તી મે ગઝલ તારા વિશે,
આજ લાખો પ્રેમીઓ એ ગાય છે.
એક તારા રૂપની જોવા ઝલક ;
આયખું આખુ’ય વીતી જાય છે.
-દિલેર બાબુ,
કેમ ગાગરમાં સમંદર સંઘરીને મોકલું !
પરબીડીયામાં કેટલી ઈચ્છા ભરીને મોકલું !
છે પ્રતિક્ષા તું જ મારી તું જ મારી ઝંખના
દરશ કાજે મુજ નયન બે કોતરીને મોકલું ?
ભેટ શું ધરવી તને? જ્યાં આયખું સોંપી દીધું
તું કહે તો શીશ આ , કલમ કરીને મોકલું ,
શું પુરાવા પ્રેમમાં આપું વધારે હું બીજા
શ્વાસ છેલ્લા દેહથી છુટ્ટા કરી ને મોકલું !!
– અજીત પરમાર ”આતુર”
ચાલ આકાશમાં ઊડીને આવીએ,
એક તારાને તો ચૂમીને આવીએ.
જૂની છે એ ખબર, ચાંદમાં દાગ છે,
દોસ્ત! એ પૂર્વગ્રહ મૂકીને આવીએ.
કેમ નડતર થયું ચાંદને મારગે,
એ ગ્રહણને જરા પૂછીને આવીએ.
ભોંય ભેગાં થયા આપણાં સ્વપ્ન સૌ,
લાગણીના બળે ઊઠીને આવીએ.
રોજની આ તડપ, ને વ્યથાની કથા,
થાય છે, આ બધું ભૂલીને આવીએ.
-સુનીલ શાહ