ભરૂચ કોર્ટમાં ચેક રિટર્ન કેસમાં ફરિયાદી તરીકે તારીખ પર આવેલા દેરોલના યુવકની વિકૃત હરકતોથી હવે તેને આરોપીના પાંજરામાં મુકી પૂરાવાની નોબત આવી છે. કોર્ટની મહિલા વકીલો સહિત મહિલા પોલીસના તેણે બે-ચાર નહીં પણ અઢીસો જેટલા ફોટાઓ ક્લિક કર્યા હતા. મહિલા વકીલોને શક પડતાં તેને પોલીસના હવાલે કરવામાં આવ્યો છે.
પોલીસે ગુજરાત બ્રેકિંગને જણાવ્યા મુજબ, દેરોલનો શાહિદ સલીમ પટેલ નામનો યુવક 138 ના કેસમાં ફરિયાદી હોવાથી જુબાની આપવા ભરૂચ કોર્ટમાં આવ્યો હતો. દહેજ ખાતે નોકરી કરતો આ યુવક કોર્ટ નંબર 35 બહાર ઉભો હતો.કોર્ટમાં મોબાઈલ સાથે આવેલા આ શાહિદના વિકૃત દિમાગે તમામ હદો પાર કરતાં કોર્ટ પરિસરમાં મોબાઈલથી ફોટા ક્લિક કરવા લાગ્યો હતો. તે ફોટામાં મહિલા વકીલ અને લેડી કોન્સ્ટેબલની હરકતોને જ કેદ કરી રહ્યો હતો.
શાહિદ પટેલે એક બે નહિ પણ 246 ફોટા જોતજોતામાં ક્લિક કર્યા હતા અને એ પણ 12 જેટલી મહિલા વકીલ અને મહિલા પોલીસના જ ફોટાઓ તેણે ક્લિક કર્યા હતા. એક મહિલા વકીલના કિસ્સામાં તો તેણે હદપાર કરતાં 85 ફોટા મોબાઈલમાં ક્લિક કર્યા હતા. કોઈ અજાણ્યો શંકાસ્પદ યુવક મહિલા વકીલો અને મહિલા પોલીસના ફોટા પાડી રહ્યો હોવાની જાણ અન્ય વકીલો અને ખુદ મહિલા વકીલને થઈ ગઈ હતી.
વકીલોમાં રોષ સાથે ગણગણાટ શરૂ થયા બાદ મામલાએ ભારે તૂલ પકડતાં બાર એસોસિએશનના પ્રમુખ પદ્યુમનસિંહ સિંધા અને અન્ય સિનિયર વકીલોએ આ યુવકને પકડી લઈ તેનો મોબાઈલ ચેક કરતા તમામ વકીલ તેમજ કોર્ટમાં રહેલા મહિલા પોલીસ દંગ થઈ ઊઠી હતી.
વકીલો દેરોલના શાહિદને એ ડિવિઝન પોલીસ મથકે લઈ ગયા હતા અને બાર એસોસિએશનના પ્રમુખ સહિત અન્ય વકીલોએ યુવક વિરુદ્ધ મહિલા વકીલો અને મહિલા પોલીસના કોર્ટમાં ફોટા પાડવા બદલ ફરિયાદ નોંધાવી હતી. સંવેદનશીલ આ કિસ્સામાં એ ડિવિઝન પી.આઈ. વાઘેલાએ ગુનો દાખલ કરી શાહિદ સલીમ પટેલની ધરપકડ કરી છે.પોલીસે આ વિકૃત યુવકનો મોબાઈલ પણ કબજે કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.