સુરતના ભાગાતળાવ વિસ્તારનું જનતા માર્કેટ ફરી એકવખત લાંબા સમય પછી ચર્ચામાં આવ્યું છે. મોબાઈલ લે વેચના સૌથી મોટા ગણાતાં જનતા માર્કેટમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે 70 જેટલા પોલીસ કર્મચારીઓ જોડાયા છે. તમને જણાવી દઈએ કે, જનતા માર્કેટ એક એવો સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે જ્યાં આ પ્રકારનું ઓપરેશન ખાવાનો ખેલ નથી માનવામાં આવતો છતાંય આ બીજી વખત છે જ્યારે એક મહિલા અધિકારીના નેતૃત્વમાં આ દરોડા કરવામાં આવ્યા. અગાઉ દશેક વર્ષ પૂર્વે એ સમયના એસીપી સુજાતા મઝમુદારે આ હિમ્મત દર્શાવી હતી. આ વખતે ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ રૂપલ સોલંકીના નેતૃત્વમાં આ ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે.
દાયકાઓથી સુરતનું જનતા માર્કેટ શહેરની એક અલગ પ્રકારની ઓળખ ધરાવે છે. મોબાઈલ પૂર્વે અહીં કાંડા ઘડીયાળનું મોટું માર્કેટ ભરાતું હતું. સૌ જાણે જ છે એ રીતે શહેરના આ જનતા માર્કેટમાં બિલ વગરના મોબાઈલ વેચાણ કરાતા હોય છે. મોબાઈલ સ્નેચિંગના વધતાં કિસ્સાઓની ફરિયાદ બાદ પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.જનતા માર્કેટમાં જુના અને નકલી મોબાઈલનું પણ વેચાણ મોટા પાયે થતું હોય છે. આ સર્ચ ઓપરેશનમાં સુરત ડીસીબી, એસઓજી સહિતની વિશેષ શાખાઓ જોડાઈ હતી.
સુરત ક્રાઈમ બ્રાન્ચે ભાગાતળાવ સ્થિત જનતા માર્કેટમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરતાં મોબાઈલ માર્કેટમાં સન્નાટો વ્યાપી ગયો છે. ક્રાઈમ બ્રાન્ચ સુત્રોએ ગુજરાત બ્રેકિંગને જણાવ્યા અનુસાર, જેસીપી ક્રાઇમ શરદ સિંઘલ, ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ રૂપલ સોલંકીના નેતૃત્વમાં ક્રાઈમ બ્રાન્ચના એસીપી, સ્થાનિક પોલીસ મથકના પીઆઇ, એસઓજી, પીસીબીના ઉચ્ચ અધિકારીઓ સહિત 50થી વધુ પોલીસની ટીમ જનતા માર્કેટમાં કોઈને ભનક પણ આવે એ પહેલાં પૂર્વ આયોજન સાથે મેગા સર્ચ ઓપરેશન શરૂ કરતાં દોડધામં મચી ગઈ હતી. શહેરમાં આ બીજી વખત છે જ્યારે જનતા માર્કેટમાં આ હદે પ્લાનિંગ સાથે ઉચ્ચ પોલીસ અધિકારી સાથેની જુદી જુદી ટીમ બનાવી સમગ્ર જનતા માર્કેટમાં રેડ કરી હોય અગાઉ જનતા માર્કેટમાં વિસ્તારના એ સમયના એસીપી સુજાતા મઝમુદારે પણ આ હિમ્મતથી કામ લીધું હતું જેમાં ઐયુબ ઢોલ સહિત અનેક લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જનતા માર્કેટ જૂના અને નકલી સ્પેરપાર્ટ્સ સાથેના મોબાઈલ તેમજ વિવિધ એસેસરિઝની લે-વેચનું મોટું બજાર છે. પોલીસના જણાવ્યા મુજબ, ફરિયાદો મળી રહી હતી કે, શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોબાઇલ સ્નેચિંગ અને ચોરીની ઘટના બની રહી છે અને આ મોબાઈલ જનતા માર્કેટમાં વેચવા માટે આવે છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે આ ફરિયાદોને આધારે પોલીસે જનતા માર્કેટમાં ઓપરેશન હાથ ધર્યું હતું.