બુરહાનપુરમાં યોજાયેલી અખિલ ભારતીય મેયર પરિષદની 52મી વાર્ષિક બેઠકમાં સુરતની વિકાસ યોજનાનો ચિતાર રજૂ કરી શહેરના મેયર હેમાલી બોઘાવાલાએ સુરતને ગૌરવ અપાવ્યું છે. હકીકતમાં દેશના લગભગ 14 રાજ્યોના 31 શહેરોના મેયર બુરહાનપુર પહોંચ્યા હતા અને બેઠકની સાથે તેઓએ તાપ્તી નદીની મહાઆરતીમાં તમામોએ ભાગ લીધો હતો. તાપી એ સુરતની ઓળખ છે અને શહેરનો ભવ્ય સાંસ્કૃતિક આદ્યાત્મિક વારસો તેની સાથે સંકળાયેલો છે ત્યારે સુરતના મેયર અહીં ભાવુક થઈ ગયા હતા અને એટલે જ સુરતના ડઝનબંધથી વધુ ઘાટોને હવે ભવ્ય રીતે વિકસાવી તેને સુરતની નવી ઓળખ અપાવવાની દિશામાં તેઓ સંકલ્પબદ્ધ થયા છે.

ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની 52મી વાર્ષિક કોન્ફરન્સ બરહાનપુરમાં યોજાઈ રહી છે. પૂર્વ મેયર અતુલ પટેલે દેશભરમાંથી આવેલા મેયરને બેન્ડ સાથે હોલ સુધી પહોંચાડ્યા હતા અને ત્યારબાદ મેયર માધુરી પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. કાશ્મીરથી કન્યાકુમારી સુધીના શહેરોના મેયરો કોન્ફરન્સમાં પહોંચ્યા છે.તમામ જ્યારે તાપી નદીની આરતીમાં જોડાયા ત્યારે સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલા માટે આ ક્ષણો સવિશેષ ભાવનાશીલ બની રહે એ સ્વભાવિક છે.

એ પૂર્વે સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ સ્માર્ટ સિટી સુરત ખાતે શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, જાહેર પરિવહન, પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બ્રિજ, ઈ-વ્હીકલ પોલિસી, સોલાર સિટી, ટર્શરી વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ વગેરે વિશિષ્ટ કામગીરીથી દેશભરમાંથી ઉપસ્થિત મેયર્સને સવિસ્તૃત માહિતી આપી હતી. શહેરના આયોજનને સૌએ રસપ્રદ રીતે જાણીને તેમાં રસ પણ લીધો હતો.
બુરહાનપુરમાં તાપીની આરતી દરમિયાનની ભાવનાશીલ પળો બાદ જે સુરત માટે વર્ષોથી જે અધુરાપણું ખાસ કરીને શ્રદ્ધાળુંઓને મનમાં ખટકી રહ્યું હતું એ હવે નજીકના ભવિષ્યમાં દૂર થવા જઈ રહ્યું છે એ નક્કી. તાપી નદીના ચૂનંદા ઘાટોને પવિત્રતા અને સુંદરતાની રીતે વિકસાવવા તરફનું આયોજન આકાર લઈ શકે છે. આ ઘાટો પવિત્ર દિવસોમાં મા તાપીના સાનિધ્યમાં તેના ભક્તોને કોઈપણ અગવડ વગર લઈ જશે તો બાકીના દિવસોમાં ઘાટોનો નયનરમ્ય નજારો શહેરીજનો જ નહીં બહારથી આવતાં લોકોને પણ આકર્ષે એ દિશામાં આયોજનને વેગ મળશે.