ડિઝિટલ ઇન્ડિયાના કોન્સેપ્ટને દરેક ક્ષેત્રમાં આગળ વધારતાં અદાલતોમાં પણ કમ્પ્યુટર અને ડિઝિટલાઇઝેશન ઉપર ભાર મૂકાઈ રહ્યો છે. આ અભિયાનના જ એક ભાગરૂપે ગુજરાતના 25 જિલ્લાઓમાં નવી આ એટ્રોસિટી કોર્ટ શરૂ થશે એટલું નહીં પરંતુ 15 નવી પોકસો કોર્ટ પણ શરૂ કરવામાં આવશે જેનાથી કેસોના ઝડપી નિકાલ થશે અને પક્ષકારોને ન્યાય મળશે.
ગુજરાત વિધાનસભામાં મંત્રી ઋષિકેશ પટેલે આ અંગેની જાણકારી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાલતી ડબલ એન્જિન સરકારના કારણે 2023-24ના બજેટમાં લોકોને સરળતાથી ન્યાય મળે તે માટે 2014 કરોડની ન્યાયિક ક્ષેત્રમાં ફાળવણી થઈ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાંચ નવી એનડીપીએસ કોર્ટ અમદાવાદ, સુરત, કચ્છ, વડોદરા તેમજ બનાસકાંઠામાં શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ચેક બાઉન્સના કેસોના નિકાલ માટે 25 એક્સક્લૂઝીવ કોર્ટ શરૂ થશે. ચેક રિટર્નના કેસોમાં લોકોને ન્યાયમાં વિલંબથી છૂટકારો મળે એ માટે અમદાવાદ ઉપરાંત રાજકોટ, સુરત, વડોદરા ખાતે બબ્બે કોર્ટ શરૂ થશે.
ઋષિકેશ પટેલે જણાવ્યા અનુસાર, આ ઉપરાંત રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદમાં ત્રણ-ત્રણ નવી કોમર્શિયલ કોર્ટ પણ શરૂ કરવામાં આવશે. કોર્ટનાં રેકર્ડ સાચવવા સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ રેકોર્ડ્ઝની ડિઝિટલ સાચવણી થશે. અને તે માટે કમ્પ્યૂટરાઇઝેશન અને ડિઝિટલાઇઝેશન ઉપર સરકારે ભાર મૂક્યો છે.